દેશમાં નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડ (PAN Card) એક અત્યંત મહત્વપૂર્ણ અને સત્તાવાર દસ્તાવેજ ગણાય છે. જો તમારું કે તમારા બાળકનું પાન કાર્ડ 18 વર્ષથી ઓછી ઉંમરે એટલે કે માઇનોર (Minor) તરીકે બન્યું હતું, તો 18 વર્ષ પૂરા થતાં જ તેને 'મેજર' પાન કાર્ડમાં અપડેટ કરાવવું અનિવાર્ય બને છે. 18 વર્ષની વય વટાવ્યા બાદ પાન કાર્ડ પર નવો ફોટોગ્રાફ, પોતાની સહી અને અન્ય અંગત વિગતો બદલવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આર્થિક કે બેંકિંગ પ્રક્રિયામાં કોઈ રૂકાવટ ન આવે.
ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જ્યારે પાન કાર્ડ બનાવવામાં આવે છે, ત્યારે તે બાળકની ઓળખ સાથે જોડાયેલું હોય છે, પરંતુ તેના પર માતા-પિતા કે કાનૂની વાલી (Legal Guardian) ની સહી અને સંપર્ક વિગતો હોય છે. 18 વર્ષ પૂરા થવા પર તમારો પાન નંબર બદલાતો નથી પરંતુ તે જ જૂના પાન નંબર પર નવી વિગતો અપડેટ કરવામાં આવે છે. ભારતીય કાયદા મુજબ એક વ્યક્તિ પાસે એક જ પાન નંબર હોવો જોઈએ, તેથી નવું પાન કાર્ડ બનાવવાની બદલે જૂના પાન કાર્ડમાં સુધારો કરાવવાનો જ વિકલ્પ પસંદ કરવાનો રહે છે.
18 વર્ષના થયા બાદ પાન કાર્ડમાં મુખ્યત્વે ત્રણ મહત્વપૂર્ણ બાબતો અપડેટ કરવાની રહે છે. પ્રથમ, બાળપણની જૂની ફોટોગ્રાફ બદલીને તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો મુકાવવો પડે છે. દ્વિતીય, માતા-પિતા કે વાલીની સહીના સ્થાને પોતાની સત્તાવાર સહી દાખલ કરવાની રહે છે. આ ઉપરાંત જો તમારું નામ, જન્મતારીખ, રહેઠાણનું સરનામું કે મોબાઈલ નંબર બદલાયો હોય તો તેમાં પણ જરૂરી સુધારા કરી શકાય છે.
આ અપડેટ પ્રક્રિયા અત્યંત સરળ છે. તેના માટે નાગરિકો Protean eGov અથવા 'UTIITSL' ની સત્તાવાર પાન સેવા વેબસાઈટ પર જઈને આઈડી અને વિગતો સુધારવા માટેની વિનંતી (Request for Correction) મોકલી શકે છે. ફોર્મમાં તમારો વર્તમાન પાન નંબર દાખલ કરીને જરૂરી સુધારાની વિગતો ભરવાની રહેશે. ઓળખ અને સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ જેવા માન્ય દસ્તાવેજો અપલોડ કરીને નિયત ફી ચૂકવવાની રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એકનોલેજમેન્ટ નંબર મળે છે, જેનાથી અરજીનું સ્ટેટસ ટ્રેક કરી શકાય છે. પ્રક્રિયા પૂરી થતાં જ અપડેટ થયેલું નવું પાન કાર્ડ તમારા સરનામે પહોંચી જશે.