રાજકોટમાં આવેલ બાળ સંરક્ષણ ગૃહમાં બાળ આરોપીને સ્ટમ્પથી ફટકારવાના બનાવમાં ઓબ્ઝર્વેશન ફાધર સામે ગુનો નોંધાયો છે. સગીરે મોરબી પોલીસ મથકમાં ફરીયાદ કરતાં ઝીરો નંબરથી તે ફરિયાદ રાજકોટ એ.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
જામનગર રહેતાં ૧૫ વર્ષીય સગીર દ્વારા નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૌશીક (રહે. ઓબ્ઝર્વેશન ફાધર હાઉસ, રાજકોટ) નું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા. ૧૬ ના તે અને તેમનો મિત્ર રૂમમાં રાત્રીના આઠ વાગ્યે સૂતા સૂતા વાતચીત કરતા હતા અને વાત સાડા આઠ સુધી ચાલેલી હતી, તે દરમિયાન હાઉસ ફાધર રૂમમાં આવેલ અને કહેલ કે, કેમ જોર જોરથી વાતો કરો છો, જેથી તેમને કહેલ કે, ભૂલ થઈ ગયેલ છે, હવે નહીં કરીએ તેમ છતાં પણ કૌશિકએ ક્રિકેટનું સ્ટમ્પ મંગાવેલ અને તેને સ્ટમ્પ વડે મારવાનું ચાલુ કરેલ હતું.
સગીરને સ્ટમ્પ દ્વારા બંને પગ નીચેના ભાગે માર મારેલ ત્યારબાદ બારી પકડાવી પીઠના પાછળના ભાગે ક્રિકેટના સ્ટમ્પ દ્વારા મારેલ તેમજ હાથમા પણ મારેલ અને માથું બારી સાથે અથડાતા માથામાં ઈજા થયેલી હતી. આરોપી કૌશિકએ તેમની હાજરીમાં ઘણા છોકરાઓને માર મારેલ છે. ઓબ્ઝર્વેશન હોમમાં આવતી છાશમાં વધારે પડતું મીઠું વધારે નાખે છે, તેથી વધારે છાશ પી ન શકાય, સગીરને ઓબ્ઝર્વેશન હોમમાં ચીકી ન ખાવી હોવા છતાં બળજબરીપૂર્વક ખવડાવેલી, તે ઓબ્ઝર્વેશન હોમમાં હતો તે દરમિયાન તાવ આવતા શરદી ઉધરસની દવા માંગેલી પરંતુ કહેલ કે, તારા ઘરે તું દવા પીવે છે, તો અહીંયા માંગે છે. આરોપી બાળકો સાથે અસ્લીલ શબ્દો પણ બોલતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, બાળ કિશોર ગઈ તા.૧૭ ના રોજ જામીનમુક્ત થતા તેઓએ રાત્રીના નવ વાગ્યે પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી. બનાવ અંગે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.