શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુના સિલસિલામાં 17 વર્ષીય સગીરનું હાર્ટ થંભી જતા મૃત્યુ થયું છે. શાપર વેરાવળમાં રાવકીના રસ્તે વાડી વિસ્તારમાં રહેતો સગીર અચાનક જ ઢળી પડતા બેભાન હાલતમાં દમ તોડી દીધો હતો. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળમાં રાવકી ગામના રસ્તે આવેલી રોહિતભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતા અને મુળ વડોદરાના જેતપુર પાવીના વતની રતનભાઈ રાઠવાનો 17 વર્ષીય પુત્ર ધવલ સાંજે આઠેક વાગ્યે વાડીએ હતો ત્યારે ચક્કર આવતા બેભાન હાલતમાં જ ઢળી પડ્યો હતો. તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. મૃતક બે ભાઇમાં મોટો હતો અને પરિવારને ખેત મજૂરીમાં મદદ કરતો હતો. હાર્ટ એટેક આવી ગયાનું તબીબે જણાવ્યું હતું.