લોધિકામાં રહેતા સગીર વયના કાકા-ભત્રીજો ગરબી જોવા માટે માખાવડ ગામે ગયા હતાં. રાત્રીના પરત ફરતા સમયે ટ્રેકટરની ટ્રોલી પાછળ બાઇક અથડાતા બંને ગંભીર રીતે ઘવાયા હતાં. જેમાં એકનું મોત થયું હતું. જયારે અન્ય સગીરને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે બાઇક ચલાવનાર સગીર ઉપરાંત સગીર હોવાછતા તેને બાઇક આપનાર બંને સામે ગુનો નોંધાયો છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લોધિકામાં ગોકુલ ચોક પાસે રહેતો અમિત રાકેશભાઇ પરમાર(ઉ.વ ૧૫) તેના કુંટુબી ભત્રીજા વિવેક વિજયભાઇ પરમાર(ઉ.વ ૧૫) સાથે બાઇકમાં ગઇકાલે રાત્રીના લોધિકાના માખાવડ ગામે ગરબી જોવા માટે ગયા હતાં. ગરબી જોયા બાદ રાત્રીના ૧૧ પરત ફરતા હતા ત્યારે અહીં માખાવડ પાસે બંધ ટ્રેકટરની ટ્રોલી પાછળ બાઇક અથડાતા બંને ગંભીર રીતે ઘવાયા હતાં. જેથી તેમને સારવાર માટે લોધિકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયાં સારવાર કારગત નીવડે તે પૂર્વે અમિત પરમાર(ઉ.વ ૧૫) નું મોત થયું હતું જયારે વિવેકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અમિત ત્રણ ભાઇ એક બહેનના પરિવારમાં સૌથી નાનો હતો અને ધો.૧૦ માં અભ્યાસ કરતો હતો. સગીર તેના કુંટુબી ભાઇ વિજય મૂકેશભાઇ પરમાર પાસેથી બાઇક લઇ તેના પુત્ર વિવેક પરમારને લઇ ગરબી જોવા ગયો હતો. ત્યારે આ મામલે સગીરના પિતા રાકેશ ખોડાભાઇ પરમાર(ઉ.વ ૪૦) ની ફરિયાદ પરથી બાઇક ચલાવનાર તેમના મૃત પુત્ર અમિત ઉપરાંત સગીર પાસે લાઇસન્સ ન હોવા છતા તેને બાઇક ચલાવવા આપનાર વિજય મુકેશભાઇ પરમાર સામે ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application