રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. શહેરના વ્યસ્ત એસ્ટ્રોન ચોક નજીક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અસમાજિક તત્વોએ રાત્રિના સમયે 20થી વધુ ફ્રૂટની લારીઓને આગ ચાંપી દેતા ભારે ખળભળાટ મચી ગયો હતો. અચાનક લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
અનેક નિર્દોષ કૂતરાઓ પણ આગમાં ભુંજાઈ ગયા
આગ એટલી ભીષણ હતી કે એક પછી એક તમામ ફ્રૂટની લારીઓ આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં લારીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં અનેક નિર્દોષ કૂતરાઓ પણ આગમાં ભુંજાઈ ગયા હોવાની કરુણ માહિતી સામે આવી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નાના ધંધાર્થીઓ પર આભ ફાટ્યું
આ બનાવથી રાજકોટના નાના ધંધાર્થીઓ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રોજિંદી કમાણી પર જીવન નિર્ભર રાખનારા ફ્રૂટ વેચાણકારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ આગમાં 25 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક ન્યાય અને સુરક્ષાની માંગ ઉઠી
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે અસમાજિક તત્વોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક ન્યાય અને સુરક્ષાની માંગ ઉઠી છે.