ગુજરાતથી ઝડપાયેલા ત્રણ આતંકીઓ, ફરીદાબાદથી ઝડપાયેલ 2900 કિલો વિસ્ફોટકો, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલો બ્લાસ્ટ અને બાદમાં આખા દેશને હચમચાવી નાખવાના ઇરાદે બૉમ્બ વિસ્ફોટ કરવાના ખતરનાક કાવતરાનોં પર્દાફાશ થતાં હાલ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ત્યારે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બૉમ્બ મુકાયાના ઇનપૂટ મળતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા જ એસઓજી સહીતની ટીમો એરપોર્ટ ખાતે દોડી ગઈ હતી અને ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં બોમ્બ સ્કોવડની ટીમે બોમ્બ ડિસ્પોઝ કર્યો હતો. અંતે મોકડ્રિલ હોવાનું જાહેર કરતા હાશકારો અનુભવ્યો હતો.
એરપોર્ટ ખાતે બૉમ્બ મુકાયા અંગે એસઓજીને ઇનપુટ મળ્યા હતા
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે રાજકોટની ભાગોળે હીરાસર ખાતે આવેલ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે બૉમ્બ મુકાયા અંગે એસઓજીને ઇનપુટ મળ્યા હતા. જે માહિતી મળતાની સાથે જ એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ઘાસુરા તથા ટીમ, ડોગ સ્કવોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમો એરપોર્ટ ખાતે દોડી ગઈ હતી અને એરપોર્ટના સુરક્ષા વ્યવસ્થામાં રહેલા જવાનોને સાથે રાખી સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરવામાં આવી
ડોગ સ્કવોડ અને બૉમ્બ સ્કવોડને સાથે રાખી એરપોર્ટ સંકુલમાં સઘન તપાસ કરવામાં આવી હતી. દરમિયાન અહીંથી બોમ્બ મળી આવતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સાવધાની સાથે આ બોબ્બને ડિસ્પોઝ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.