શનિવારે ભારતીય રાજકારણમાં ત્યારે એક મોટો ભૂકંપ આવ્યો જ્યારે કોંગ્રેસે અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટીન (Jeffrey Epstein) ની ફાઈલ્સનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ ફાઈલ્સમાં વડાપ્રધાનનું નામ સામેલ છે. આ મામલે કેન્દ્ર સરકારે તીખી પ્રતિક્રિયા આપીને આ તમામ દાવાઓને પાયાવિહોણા અને પાયા વગરના ગણાવ્યા છે.

પવન ખેડાના આક્ષેપો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. ખેડાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "આ રાષ્ટ્રીય શરમનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેફરી એપસ્ટીન જેવા વ્યક્તિ પાસેથી શેની સલાહ લઈ રહ્યા હતા?"
ઈઝરાયેલમાં ‘નાચ-ગાન’
ખેડાએ વધુમાં આક્ષેપ કર્યો કે એપસ્ટીને લખ્યું છે કે ભારતના વડાપ્રધાને તેની સલાહ માની હતી. અમેરિકાના રાષ્ટ્રપતિને ફાયદો પહોંચાડવા માટે ઈઝરાયેલમાં કાર્યક્રમો (નાચ-ગાન) કરવામાં આવ્યા હતા.
ડિપ્લોમેટિક મર્યાદા પર સવાલ
અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટની લિંક શેર કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, એક કુખ્યાત વ્યક્તિ સાથે વડાપ્રધાનના આવા સંબંધો તેમની પારદર્શિતા અને રાજદ્વારી મર્યાદા પર ગંભીર સવાલો ઊભા કરે છે.
કોણ છે જેફરી એપસ્ટીન?
જેફરી એપસ્ટીન એક એવું નામ છે જે આખી દુનિયામાં બદનામ છે. તે અમેરિકામાં માનવ તસ્કરી (Human Trafficking) અને સગીરો સાથે યૌન શોષણ તેમજ બળાત્કારના કેસોમાં દોષી સાબિત થયો હતો. વર્ષો સુધી તે વિશ્વના શક્તિશાળી લોકો સાથેના તેના સંબંધો માટે ચર્ચામાં રહ્યો હતો. તેની ફાઈલ્સ સાર્વજનિક થવાથી વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓના નામ સામે આવ્યા છે, જે હવે ભારતના રાજકારણમાં વિવાદનું કેન્દ્ર બન્યું છે.
સરકારનો જડબાતોડ જવાબ
આ ગંભીર આક્ષેપો બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) તાત્કાલિક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે એપસ્ટીન ફાઈલ્સમાં લગાવવામાં આવેલા તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, "એપસ્ટીન એક ઘોષિત અને સજા પામેલો ગુનેગાર છે. તેની વાતોને કોઈ પણ રીતે ગંભીરતાથી લેવી જોઈએ નહીં."
