આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ જુલાઈ મહિનામાં વરસાદે છેલ્લા ૧૦ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જુલાઈ ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ ૨૧.૭૫ ઇંચ વરસાદ નોંધાયો છે, જે વર્ષ ૨૦૧૭થી લઈને અત્યાર સુધીના જુલાઈ મહિનામાં સૌથી વધુ છે. આ સાથે જ, આ ચોમાસાની સીઝનમાં ૩૧ જુલાઈ સુધીમાં નોંધાયેલા કુલ વરસાદનો ૬૫ ટકા હિસ્સો માત્ર જુલાઈ મહિનામાં જ વરસી ગયો છે. જૂન મહિનામાં ચોમાસું ખૂબ જ સુસ્ત રહ્યું હતું અને રાજ્યમાં સરેરાશ દોઢ ઇંચ (૧.૩૯ ઇંચ) જેટલો પણ વરસાદ થયો નહોતો. પરંતુ જુલાઈમાં થયેલા સાર્વત્રિક અને મન મૂકીને વરસેલા વરસાદને કારણે જૂન મહિનાની તંગી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનાના પહેલા બે દિવસમાં જ રાજ્યમાં વધુ ૧.૪૦ ઇંચ (૧.૪૦ ટકા) વરસાદ ખાબકી ચૂક્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, રાજ્યના તમામ ૩૪ જિલ્લાઓ અને ૨૫૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ ૨૪.૫૪ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ ૩૫.૭૮ ઇંચ વરસાદના ૬૮.૫૮ ટકા જેટલો થાય છે. સતત સક્રિય રહેલી ચોમાસાની સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. આ ધોધમાર વરસાદના પરિણામે રાજ્યના જળાશયો, નદીઓ અને ડેમોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે, જ્યારે કેટલાક નીચાણવાળા જિલ્લાઓમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે. પ્રાદેશિક દ્રષ્ટિએ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ચોમાસાની અસર જોવા મળી છે. ૩૧ જુલાઈ સુધીના આંકડા મુજબ વિવિધ વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૯ ઇંચ જે સામાન્યના ૯૧ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૦.૦૪ ઇંચ જે સામાન્યના ૬૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૪.૬૫ ઇંચ જે સામાન્યના ૪૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૩.૪૩ ઇંચ જે સામાન્યના ૪૭ ટકા, કચ્છમાં ૪.૦૬ ઇંચ જે સામાન્યના ૨૧ ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ ૨૩.૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા એક દાયકાના જુલાઈ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો ૨૦૨૬નો જુલાઈ મહિનો સૌથી વધુ વરસાદી રહ્યો છે. ૨૦૨૬માં ૨૧.૭૫ ઇંચ, ૨૦૨૫માં ૯.૯૨ ઇંચ, ૨૦૨૪માં ૧૬.૭૩ ઇંચ, ૨૦૨૩માં ૧૭.૬૮ ઇંચ, ૨૦૨૨માં ૨૦.૯૧ ઇંચ, ૨૦૨૧માં ૬.૯૭ ઇંચ, ૨૦૨૦માં ૯.૦૨ ઇંચ, ૨૦૧૯માં ૮.૭૪ ઇંચ, ૨૦૧૮માં ૧૫.૦૪ ઇંચ અને ૨૦૧૭માં ૨૦.૭૧ ઇંચ વરસાદ જુલાઈ મહિનામાં નોંધાયો હતો.