હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસું ભારે વિનાશ સર્જી રહ્યું છે. અહેવાલ મુજબ રાજ્યમાં ચોમાસા સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 163 લોકોનાં મોત થયા છે. બીજી તરફ, સતત ભૂસ્ખલન અને પથ્થરો પડવાની ઘટનાઓને કારણે રાજ્યમાં 204 રસ્તાઓ બંધ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને વાહનવ્યવહારને પણ મોટી અસર થઈ છે. ચોમાસા દરમિયાન થયેલા કુલ મૃત્યુમાંથી 93 લોકોનાં મોત વરસાદ સંબંધિત માર્ગ અકસ્માતોમાં થયા છે. આ ઉપરાંત ભૂસ્ખલન, મકાન ધરાશાયી થવા, પથ્થરો પડવા, અચાનક પૂર અને સાપ કરડવાથી પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ 30 જૂનથી અત્યાર સુધીમાં સીધી આપત્તિ સંબંધિત 70 મૃત્યુ નોંધાયા છે.આ 70 મૃત્યુમાં 14 લોકો ભૂસ્ખલનના કારણે, જ્યારે 23 લોકો ઊંચા ઢોળાવ, ખડકો અથવા ઝાડ પરથી પડી જવાથી મૃત્યુ પામ્યા છે. સાત લોકોનાં મોત સાપ કરડવાથી, છનાં વીજ કરંટ લાગવાથી અને ચારનાં મોત વાદળ ફાટવાની ઘટનાઓમાં થયા છે. જિલ્લાવાર આંકડા પર નજર કરીએ તો લાહૌલ-સ્પીતિમાં સૌથી વધુ 14 લોકોનાં મોત નોંધાયા છે. ત્યારબાદ કાંગડામાં 12, જ્યારે ચંબા અને શિમલામાં નવ-નવ અને કુલ્લુમાં આઠ લોકોનાં મોત થયા છે. ચોમાસા સંબંધિત વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 257 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને રોકફોલની ઘટનાઓ સતત વધી રહી છે. જેના કારણે રાજ્યના અનેક માર્ગો પર વાહનવ્યવહાર અટકી ગયો છે. હાલમાં 204 રસ્તાઓ બંધ હોવાનું જણાવાયું છે. પહાડી વિસ્તારોમાં રસ્તાઓ બંધ થવાથી સ્થાનિક લોકો ઉપરાંત પ્રવાસીઓ અને જરૂરી સેવાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 30 જૂનથી 11 ઓગસ્ટ સુધીના માત્ર 43 દિવસમાં હિમાચલ પ્રદેશમાં જાહેર સંપત્તિને 910 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તેમાં સૌથી મોટું નુકસાન જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યુડી)ના માળખાને થયું છે, જેનું નુકસાન આશરે 686 કરોડ રૂપિયા છે. એટલે કે કુલ નુકસાનમાં પીડબલ્યુડીનો હિસ્સો લગભગ 75 ટકા છે. વીજ ક્ષેત્રને પણ આશરે 204 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે હિમાચલમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application