થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં છેલ્લા 3 દિવસમાં આખા મહિના જેટલો રેકોર્ડબ્રેક વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય માર્ગો, દુકાનો અને ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર દ્વારા બેંગકોકને સત્તાવાર રીતે આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, બેંગકોકમાં માત્ર 2 થી 3 દિવસના ટૂંકા ગાળામાં 320 મીમી (12.6 ઈંચ) જેટલો મુસળધાર વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન અહીં જેટલો સરેરાશ વરસાદ પડે છે, તેટલું પાણી માત્ર કેટલાક જ કલાકોમાં વરસી જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. થાઈલેન્ડના 41 પ્રાંતોમાં આવેલી આ ભયાનક પૂરની હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 5,80,000 થી વધુ ઘરોને માઠી અસર પહોંચી છે.

ગૃહ મંત્રી ઉન્સિત સંપુન્થારતના જણાવ્યા અનુસાર, એકલા બેંગકોકમાં જ 80,000 થી વધુ લોકો પોતાના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ફસાયેલા છે. જ્યારે આશરે 5,901 લોકોને ઘર છોડીને 234 ઇવેક્યુએશન સેન્ટરોમાં આશરો લેવાની ફરજ પડી છે. પૂરના કારણે શહેરની મૂળભૂત સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. મેટ્રો (BTS), ટેક્સી અને ઈ-રિક્ષા સેવાઓ પ્રભાવિત થઈ છે, જ્યારે વીજળી ગુલ થવા અને પીવાના પાણીની ભારે અછત સર્જાતાં લોકો પોતાના પાલતુ પ્રાણીઓ સાથે અન્ય સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે.
સુપરમાર્કેટ્સ અને ગ્રોસરી સ્ટોર્સમાંથી ખાધ્યસામગ્રી ખાલી થઈ ગઈ છે. રાહત કામગીરીના ભાગરૂપે મોબાઈલ કિટચન અને બોટ તૈનાત કરવામાં આવી છે જેથી અસરગ્રસ્તો સુધી રોજિંદું ભોજન પહોંચાડી શકાય. હવાઈ મથકો પર ફ્લાઈટ્સ રદ થતાં સેંકડો મુસાફરો અટવાયા છે અને ભારતીય પ્રવાસીઓને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપવામાં આવી છે. રંગસિટ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓના મતે આ પૂરના કારણે દેશને 11 અબજ બાત (327 મિલિયન ડોલર) નું આર્થિક નુકસાન થઈ શકે છે, જેનાથી દેશનો જીડીપી ગ્રોથ ઘટીને 2.1% રહેવાની શક્યતા છે.