BREAKING NEWS

મોરબી-સુરેન્દ્રનગરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપઃ મોરબીમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, ઘોડાપૂરમાં ફસાયેલા 5 લોકોનું બોટથી રેસ્ક્યૂ

  • August 02, 2026 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ચોમાસાની ઋતુ જામતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અનેક બનાવો બન્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યના ૨૫૦થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.  


મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ

છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લો વરસાદનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. મોરબી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૨૨૩ મીમી (૮.૭૮ ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત મોરબીના ટંકારામાં ૧૯૪ મીમી (૭.૬૪ ઇંચ), હળવદમાં ૧૬૩ મીમી (૬.૪૨ ઇંચ), માળિયામાં ૧૨૨ મીમી (૪.૮૦ ઇંચ) અને વાંકનેરમાં ૧૧૫ મીમી (૪.૫૩ ઇંચ) વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધ્રાંગધ્રામાં ૧૭૬ મીમી (૬.૯૩ ઇંચ) અને વઢવાણમાં ૧૫૭ મીમી (૬.૧૮ ઇંચ) વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે.  


દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક મેઘમહેર

દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૧૫૩ મીમી (૬.૦૨ ઇંચ), ગરૂડેશ્વર અને નાંદોદમાં ૧૨૪ મીમી (૪.૮૮ ઇંચ) વરસાદ પડ્યો છે. વલસાડના નાનાપોંડામાં ૧૧૬ મીમી (૪.૫૭ ઇંચ) તથા કાપ્રડામાં ૧૧૨ મીમી (૪.૪૧ ઇંચ) વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં ૧૧૧ મીમી (૪.૩૭ ઇંચ) અને ઓલપાડમાં ૧૦૫ મીમી (૪.૧૩ ઇંચ) તથા ભરૂચના ભરૂચ તાલુકામાં ૧૦૭ મીમી (૪.૨૧ ઇંચ) અને ઝઘડિયામાં ૧૦૬ મીમી (૪.૧૭ ઇંચ) વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મહુધામાં ૧૦૦ મીમી (૩.૯૪ ઇંચ) વરસાદ ખાબક્યો છે.  


સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છની સ્થિતિ

સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં ૭૩ મીમી (૨.૮૭ ઇંચ), જસદણમાં ૬૧ મીમી (૨.૪૦ ઇંચ) અને પડધરીમાં ૫૧ મીમી (૨.૦૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના પાટણમાં ૭૬ મીમી (૨.૯૯ ઇંચ), સિદ્ધપુરમાં ૭૪ મીમી (૨.૯૧ ઇંચ) અને બનાસકાંઠાના દાંતામાં ૭૨ મીમી (૨.૮૩ ઇંચ) વરસાદ થયો છે. કચ્છ જિલ્લાના ભુજ અને રાપરમાં ૬૬ મીમી (૨.૬૦ ઇંચ) તથા મુંદ્રામાં ૫૯ મીમી (૨.૩૨ ઇંચ) વરસાદ પડ્યો છે.  


પ્રશાસન એલર્ટ મોડ પર

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મોરબી અને સુરેન્દ્રનગર જેવા વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા સલાહ આપવામાં આવી છે.


હળવદના જૂના માલણીયાદમાં ફસાયેલા તમામ 12 લોકોનો આબાદ બચાવ

મોરબીના હળવદ તાલુકામાં સાડા છ ઇંચ વરસાદ બાદ કંકાવટી નદીમાં ઘોડાપૂર આવતાં જૂના માલણીયાદ ગામ પાસે ખેતર-વાડીઓમાં કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓ સહિત 12 લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર, ફાયર અને SDRF બાદ કલેક્ટરની સૂચનાથી કચ્છથી આવેલી NDRF ની ટીમે રવિવારે વહેલી સવારે સફળ ઓપરેશન પાર પાડી 2 મહિલા સહિત 5 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા, જ્યારે સામા કાંઠે ફસાયેલા બાળકો સહિતના અન્ય 7 લોકો પરિવારજનોની મદદથી સુરક્ષિત રીતે જાતે બહાર આવી જતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.​​​​​​​


કંકાવટી નદીમાં પૂરથી 12 શ્રમજીવીઓ ફસાયા, 5નું રેસ્ક્યૂ

મોરબીના હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી કંકાવટી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં ખેતરોમાં મજૂરી કરતા શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓ સહિત કુલ 12 લોકો અલગ-અલગ જગ્યાએ પાણીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક ફાયર બ્રિગેડ અને SDRFની ટીમ પાણીના ભારે પ્રવાહના કારણે પહોંચી ન શકાતાં, કલેક્ટરની અપીલ બાદ કચ્છથી NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. રવિવારે સવારે 3.30 વાગ્યે પહોંચેલી NDRFની ટીમે માત્ર 45 મિનિટની કામગીરીમાં 2 મહિલા સહિત 5 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય જગ્યાએ ફસાયેલા બાળકો સહિતના 7 લોકો સામાકાંઠેથી પરિવારજનો આવી જતાં જાતે જ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application