BREAKING NEWS

મહાપાલિકાના ૧૦૦૦થી વધુ કર્મચારીઓ એસઆઇઆરમાં; રોજિંદી કામગીરી ઠપ્પ

  • December 02, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતના ચૂંટણી પંચના આદેશથી હાથ ધરાયેલા મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝનની કામગીરીમાં મહાપાલિકાની વિવિધ ૪૦ બ્રાન્ચના અંદાજે કુલ એકાદ હજાર જેટલા કર્મચારીઓ તેમાં પણ ખાસ કરીને મોટા ભાગની બ્રાન્ચના ક્લાર્ક સહિતના કર્મચારીઓના આ કામગીરી માટે ઓર્ડર થતા મહાપાલિકામાં રોજિંદી કામગીરી ઠપ્પ થઇ ગયા જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. દરમિયાન તાજેતરમાં એસઆઈઆરની કામગીરીની મુદ્દતમાં વિશેષ એક સપ્તાહનો વધારો કરતા હવે વધુ એક સપ્તાહ સુધી આવી સ્થિતિ રહેશે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ તમામ બ્રાન્ચમાં નોટિસ બજવણી, જપ્તી, હરરાજી, ટેન્ડર, બુકિંગ, ચેકિંગ સહિતની અનેક કામગીરીઓ સ્ટાફના અભાવે વિલંબિત થઇ રહી છે. અનેક બ્રાન્ચમાં જ્યાં અગાઉથી જ મહેકમ મુજબનું સ્ટાફ સેટ અપ નથી અને કર્મચારીઓની ઘટ છે ત્યાં આગળ બ્રાન્ચ હેડએ ક્લાર્કની કામગીરી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એસઆઈઆરએ રાષ્ટ્રીય કામગીરી હોય તે માટેનો હુકમ થતા કર્મચારીએ ફરજ બજાવવા ફરજિયાત હાજર થવું પડે છે. મહાપાલિકાના અમુક કર્મચારીઓના બીએલઓ તરીકે અમુક કર્મચારીઓના મદદનીશ બીએલઓ તરીકે હુકમ થયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસઆઇઆરની કામગીરી મુદ્ત તો આગામી સપ્તાહમાં પૂર્ણ થશે પરંતુ અનેક કર્મચારીઓના ફેબ્રુઆરી સુધી ફરજ બજાવવાના ઓર્ડર થયા હોય મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયું છે. સુપરવાઈઝર, મુકાદમ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ હાલ એસઆઇઆરની કામગીરીમાં જતા સૌથી વધુ મહેકમ ધરાવતી મહાપાલિકા કચેરી ખાલીખમ થઇ ગઇ છે. કમિશનર બ્રાન્ચ અને સેક્રેટરી બ્રાન્ચ સિવાય કોઇ એવી બ્રાન્ચ બાકી રહી નથી કે જેના સ્ટાફના એસઆઇઆર માટે ઓર્ડર થયા ન હોય તે વાસ્તવિકતા છે. ખાસ કરીને ડેપ્યુટી કમિશનર કે આસિસ્ટન્ટ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ કે બ્રાન્ચ હેડ સાથે પરામર્શ કર્યા વિના જ ધડાધડ ઓર્ડર થઇ રહ્યા હોય મહાપાલિકા તંત્રની રોજિંદી કામગીરીમાં અનેક વિક્ષેપો સર્જાવા લાગ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application