જામનગરમાં સોમવારે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફલાય ઓવરબ્રિજ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આ ફલાય ઓવર બ્રિજના ૬૧ ગાળામાં ૧૨૦૦થી વધુ વાહન પાર્ક થઇ શકશે જેમાં ૮૫૦ ટુ-વ્હીલર, ૨૫૦ બસ ફોર-વ્હીલર, ૧૦૦ રીક્ષા, ૨૬ બસ અને અન્ય ૧૦૦ વાહનની પાર્કિંગનો સમાવેશ થાય છે, ૪ સ્થળોએ પે-એન્ડ યુસ ટોયલેટ, શ્રમીક સુવિધા કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે, ૧૦ ગાળામાં રમતગમતની પ્રવૃતિ, ૪ સ્થળ પર વેઇટીંગ અને સીટીંગની સુવિધા, ૪ સ્થળ પર ફુડ ઝોનની સવલત રહેશે. નાગનાથ જંકશન, ત્રણ દરવાજા, બેડીગેઇટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે.
જામનગરમાં સોમવારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે.આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે.
વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.