જાપાનનું એક શહેર ભીષણ આગમાં લપેટાઈ ગયું છે. આ આગમાં 170 થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. આગ એટલી ભયંકર છે કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ છે. આખી રાત પ્રયાસો છતાં, આગ સંપૂર્ણપણે ઓલવાઈ શકી નથી.જાપાનની રાજધાની ટોક્યોથી માત્ર 770 કિલોમીટર દૂર આવેલા ઓઇટા શહેરના સાગાનોસેકી જિલ્લામાં આગ લાગી હતી. આગથી બચવા માટે લગભગ 175 લોકોએ ઇમરજન્સી આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે.
મંગળવારે સાંજે 5:40 વાગ્યે અને ભારતીય સમય મુજબ રાત્રે 8:40 વાગ્યે આગ લાગી હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, એક વ્યક્તિ ગુમ છે અને તેની શોધ ચાલી રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર, આગ એટલી ભીષણ હતી કે તે રહેણાંક વિસ્તારોથી આગળ પર્વતીય જંગલોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ફાયર ફાઇટર માટે આગ ઓલવવી મુશ્કેલ બની ગઈ હતી.
લશ્કરી હેલિકોપ્ટર રવાના
જાપાનના વડા પ્રધાન તકાઈચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આગ અંગેની પોસ્ટ શેર કરતા કહ્યું કે ઓઇટા પ્રીફેક્ચરના ગવર્નરની વિનંતી પર લશ્કરી અગ્નિશામક હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યા છે. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.