BREAKING NEWS

પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું, બે ઈરાની શખ્સની ધરપકડ, જાણો કોણે પાર પાડ્યું આ ઓપરેશન

  • February 17, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન દ્વારા ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરી કરવાનો આંતરરાષ્ટ્રીય કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું અનુમાન છે.


વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાઈ માર્ગે મોટી માત્રામાં ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાની તૈયારી ચાલી રહી છે. માહિતી મળતા જ એટીએસે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ટીમ બનાવી દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન પોરબંદરની દરિયાઈ સીમામાં શંકાસ્પદ હિલચાલ કરતી એક બોટ પર નજર રાખવામાં આવી હતી.


સુરક્ષા એજન્સીઓએ બોટને અટકાવી તેની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બોટમાંથી અલગ-અલગ પેકેટોમાં રાખવામાં આવેલા 200 કિલોથી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો ઈરાનથી દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યો હતો. બોટમાં સવાર બે ઈરાની શખ્સોને તુરંત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.


પકડી પાડવામાં આવેલા આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, નેવિગેશન સાધનો અને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એટીએસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી જાણવા મળી શકે કે ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને સોંપવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે.


સુરક્ષા એજન્સીઓ માને છે કે ગુજરાતનો લાંબો દરિયાકાંઠો ડ્રગ્સ તસ્કરો માટે સંવેદનશીલ બની રહ્યો છે, આથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આ સફળ ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓને મોટો ઝટકો લાગ્યો છે અને સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે. વર્ષ 2025માં જ ગુજરાતમાંથી 2240 કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરીઓમાંથી 2240 કરોડ રૂપિયાનું 20823 કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. છેલ્લા દસ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું 1.74 લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application