રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના યજમાન પદે આયોજિત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજકોટના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ ઐતિહાસિક સાબિત થવા જઈ રહી છે. આજથી બે દિવસ 12 અને 13 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય રિવર્સ બાયર સેલરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત 30 જેટલા વિદેશી જ્વેલરી બાયર રાજકોટ આવી પહોંચ્યા છે. એમ.એસ.એમ.ઈ. વિભાગના કમિશનર એમ. જે. લાડાણીના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં પ્રથમ વખત 30 જેટલા આંતરરાષ્ટ્રીય બાયર આવી રહ્યા છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત દેશની અગ્રણી ટ્રેડ બોડી છે. ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના નિકાસ પ્રોત્સાહન આંતરરાષ્ટ્રીય માર્કેટ એક્સેસ નીતિ સહયોગ સ્ટીલ ડેવલોપમેન્ટ અને વૈશ્વિક બ્રાન્ડિંગ માટે સતત કાર્યરત છે. જેના નેજા હેઠળ બે દિવસીય રિવર્સ બાયર-સેલર મીટનું રાજકોટમાં પ્રથમ વખત મારવાડી યુનિવર્સિટીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રાજકોટની જ્વેલરીને વિશ્વ સ્તરે નવી ઓળખ મળશે.
ડેલીગેટ્સને 18 સ્થળોની મુલાકાત કરાવાશે
જેમાં કેનેડા, દુબઈ, બહેરીન, ઓસ્ટ્રેલિયા, યુકે તેમજ અમેરિકાના બાયરો પણ સામેલ છે. રાજકોટ જ્વેલરી ક્ષેત્રનું હબ માનવામાં આવે છે. શહેર પ્રત્યક્ષ કે પરોક્ષ
4 લાખ લોકોને રોજગારી આપતું સૌથી મોટું ઔદ્યોગિક માધ્યમ છે. આ પ્રકારની બાયર અને સેલર સમિટ પ્રથમ વખત રાજકોટના વાઇબ્રન્ટ ગુજરાતમાં થઈ રહી છે ત્યારે આ તમામ વિદેશી ડેલીગેટ્સને પણ રાજકોટમાં 18 જગ્યાઓ ઉપર મુલાકાત પણ કરવામાં આવશે કે જ્યાં જ્વેલરીનું કાસ્ટિંગ જ્વેલરી ડિઝાઇન તેમજ રાજકોટની મોનોપોલી હેન્ડ જ્વેલરીનું નિદર્શન કરાવવામાં આવશે.
વૈશ્વિક માર્કેટ સાથે જોડવાનું મહત્વપૂર્ણ પગલું
રાજકોટમાંથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલના પ્રથમ ચૂંટાયેલા સી.ઓ.એ. મેમ્બર વિનીત વસાના જણાવ્યા પ્રમાણે રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક ગ્લોબલ ઓળખ અપાવવાનો આ પ્રથમ પ્રયાસ દ્રષ્ટિ પૂર્ણ છે. આ વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજકોટની જ્વેલરી ને શોકેસ કરવાનો પણ સૌથી મોટો અવસર પ્રાપ્ત થયો છે. રાજકોટની પ્લેન ગોલ્ડ જ્વેલરીની કારીગરી આજે વૈશ્વિક બાયર્સનું ધ્યાન ખેંચી રહી છે. સફળ કોમન ફેસીલીટી સેન્ટર બાદ આ મીટ રાજકોટ માટે વૈશ્વિક માર્કેટ સાથે જોડાવાનું મહત્વનું પગલું સાબિત થશે.
રાજકોટની જ્વેલરીને મળશે વૈશ્વિક ઓળખ
રાજકોટના વિખ્યાત બંસી ગોલ્ડના સંજય ધકાણે જણાવ્યું હતું કે અમે લોકો વિશ્વભરના એક્ઝિબિશનમાં ભાગ લેવા જતા હોઈએ છીએ. કોઈપણ એક્ઝિબિશન હોય તેમાં મુલાકાતીઓ સૌથી પહેલા રાજકોટના સ્ટોલ ને મહત્વ આપતા હોય છે એટલે કે રાજકોટની જ્વેલરી હવે વૈશ્વિક રીતે પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. એક સમય હતો કે રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો પણ હવે સાથે સાથે જ્વેલરી માટે પણ એટલું જ પ્રખ્યાત થયું છે. વાઇબ્રન્ટ ગુજરાતનો અવસર રાજકોટના આંગણે આવ્યો છે ત્યારે પ્રથમ વખત વિદેશી બાયરો પણ આવી રહ્યા છે જે તેમના દેશમાં પણ રાજકોટની જ્વેલરીને વધુ સારી રીતે પ્રસ્થાપિત કરશે.
જ્વેલરીની વિશેષતા અંગે આદાન-પ્રદાન
અન્ય જ્વેલર્સમાં તેજસ શાહ, જયદીપ વાઢેર તેમજ રાજ ભાલારાએ જણાવ્યું હતું કે રાજકોટની જ્વેલરી માટે દેશ-વિદેશના બાયર અને સેલરની સાથે વિચારોનું આદાન-પ્રદાન તેમજ જ્વેલરીની વિશેષતાઓ અંગે ચર્ચા કરવાનો પણ મોકો મળશે. આ બાયર સેલર મીટમાં વિદેશી બાયરો રાજકોટ આવીને અહીંના ઉત્પાદકો સાથે સીધી બિઝનેસ ચર્ચા કરશે. જે રાજકોટ માટે એક નવી ઓળખ અને નવી તક લઈને આવશે આ મીટ રાજકોટના જ્વેલર્સને સીધું આંતરરાષ્ટ્રીય માર્કેટ એક્સપોઝર આપશે. તેમજ લાંબા ગાળાના બિઝનેસ સંબંધો સ્થાપિત કરવામાં મહત્વની કડી બની રહેશે.
રાજકોટની સોની બજારના સી.ઈ.ડી સાથે એમ.ઓ.યુ
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમ્યાન રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટ અને ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવપમેન્ટ વચ્ચે આજે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં સ્કીલ ડેવલપમેન્ટ એન્ટરપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગકારો યુવા વ્યવસાયકો અને કારીગરોને માર્ગદર્શન મળે તે માટે વિવિધ સેમિનાર અને વર્કશોપનું આયોજન થશે. એવું એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેશરાએ જણાવ્યું હતું