BREAKING NEWS

રાજકોટમાં દિવાળીના તહેવારોમાં છેલ્લા 3 વર્ષમાં 300થી વધુ આગના કોલ; ફાયર વિભાગે કરોડોની મિલકતો બચાવી

  • November 08, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષો (૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫) દરમિયાન દિવાળી તહેવારોના દિવસોમાં આગ લાગવાના અનેક નાના-મોટા બનાવો સામે આવ્યા છે. રંગીલા રાજકોટમાં દીપોત્સવી પર્વ દરમિયાન ફટાકડા, શોર્ટ સરકિટ તેમજ વીજ વાયરિંગ અને ખુલ્લા પ્લોટમાં એકઠા થયેલા કચરાના કારણે આગ લાગવાના કિસ્સાઓમાં મોટો ઉછાળો જોવા મળે છે. આ ત્રણ વર્ષના સમયગાળામાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ૩૦૦થી વધુ ફાયર કોલ એટેન્ડ કરીને કરોડો રૂપિયાની મિલકતો અને માનવજિંદગીનો બચાવ કરવામાં આવ્યો છે.   

વર્ષ ૨૦૨૩ની દિવાળી (૧૦ થી ૧૩ નવેમ્બર ૨૦૨૩) દરમિયાન ફાયર બ્રિગેડને કુલ ૧૪૫ આગના કોલ મળ્યા હતા. આમાંથી સૌથી વધુ ૧૩૧ કોલ ખુલ્લા વંડા, પ્લોટ અને રસ્તા પરના કચરામાં આગ લાગવાના હતા. ૨૦૨૩ના આ તહેવાર દરમિયાન શ્રી રણછોડનગર શેરી નં. ૨માં મકાનના પાર્કિંગમાં મોટી આગ લાગી હતી, જેમાં ફાયર બ્રિગેડના સ્ટાફે સમયસર પહોંચીને ૫ લાખ રૂપિયા રોકડા તેમજ ૫ થી ૬ કરોડ રૂપિયાનો ચાંદીના કામનો તૈયાર તથા કાચો માલ સંપૂર્ણપણે ઉગારી લીધો હતો. આ સિવાય મોરબી રોડ, કેવડાવાડી અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સહિતના વિસ્તારોમાં વાહનો અને કચરામાં આગના બનાવો નોંધાયા હતા.   


વર્ષ ૨૦૨૪ની દિવાળી (૨૯ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૨૪) ના ચાર દિવસોમાં શહેરમાંથી કુલ ૪૪ ફાયર કોલ નોંધાયા હતા. જેમાં રહેણાંક મકાનો, કચરાના ઢગલાઓ, દુકાનો અને ઓફિસોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા. યાજ્ઞિક રોડ પર આવેલા ધનરજની બિલ્ડિંગના ૯મા માળે ‘આજકાલ’ દૈનિક ન્યૂઝ પેપરની ઓફિસમાં એસીમાં શોર્ટ સરકિટના કારણે આગ લાગી હતી. આ ઉપરાંત કુવાડવા રોડ પર એમ.કે. સિલ્વર નામના કારખાનામાં અને નવાગામમાં શ્રીજી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં આગ લાગતા ફાયર સ્ટાફે ૫૦ લાખથી વધુનો માલસામાન બચાવી લીધો હતો.   


વર્ષ ૨૦૨૫ની દિવાળી (૧૮ થી ૨૧ ઓક્ટોબર ૨૦૨૫) દરમિયાન પણ આગના કિસ્સાઓમાં તીવ્ર વધારો નોંધાયો હતો અને ૪ દિવસમાં ૧૧૩ જેટલા ફાયર કોલ આવ્યા હતા. ૨૦૨૫માં હાઈરાઈઝ બિલ્ડિંગો અને કારખાનાઓમાં આગના ગંભીર બનાવો બન્યા હતા. ૧૫૦ ફીટ રિંગ રોડ પર ‘ધી ગ્રાન્ટ પેલેસ’ એપાર્ટમેન્ટના ૨૦મા માળે લાકડાના સામાનમાં આગ લાગી હતી. આ સિવાય ઈલેક્ટ્રિક ટુ-વીલર, મર્સિડીઝ કાર, ફોર્ચ્યુન મલ્ટીપેક ગોડાઉન/કારખાનામાં મોટા પાયે લાગેલી આગ અને ગૌતમનગર, મવડી, યુનિવર્સિટી રોડ તથા જૂના એરપોર્ટ વિસ્તારમાં સુકા ઘાસ તેમજ કચરામાં આગના બનાવો નોંધાયા હતા.   


છેલ્લા ત્રણ વર્ષના આંકડા દર્શાવે છે કે તહેવારોના દિવસોમાં રાજકોટમાં સૌથી વધુ આગ ખુલ્લા પ્લોટ કે વંડામાં પડેલા વેસ્ટેજ કચરા અને સુકા ઘાસમાં ફટાકડાના તણખા પડવાથી લાગે છે. તે પછી રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મર (PGVCL) તથા એસી/વાયરિંગમાં શોર્ટ સરકિટ આગનું મુખ્ય કારણ બન્યા છે. રાજકોટ ફાયર વિભાગની તાત્કાલિક કામગીરી અને સતર્કતાના કારણે મોટી હોનારતો ટળી છે, પરંતુ નાગરિકોએ પણ દિવાળી જેવા ઉત્સવો દરમિયાન કચરાનો યોગ્ય નિકાલ કરવા અને વીજ ઉપકરણોની સાવચેતી રાખવા અંગે જાગૃત બનવું અનિવાર્ય છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application