રાજકોટ જિલ્લાના પડધરી તાબેના મોવીયા ગામ નજીક સીમ એરકોન ઈન્ડિયા નામની કારખાનામાં બુકાનીધારી ચડ્ડી બનીયાનધારી તસ્કર ગેંગની બેલડી ત્રાટકી એક મિનિટમાં જ ૨૭.૫૫ લાખની રોકડ સહિતની ચોરી મેં અંજામ આપતી બેલડી સીસીટીવી કેમેરા માં કેદ થઈ જતા પડધરી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી એટલુંજ નહી પાંચથી વધુ તસ્કરોએ અન્ય એક ફેક્ટરીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યાનું સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના અમીન માર્ગપર ગુલાબવાટીકા સોસાયટીમાં રહેતા હર્ષિતભાઈ પ્રહલાદભાઈ ડાવર નામના ફેકટરી ધારકે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રે ૧.૫૨ કલાકે પાંચ શખસો ફેકટરીમાં ઘૂસ્યા હતા.
એકાઉન્ટન્ટની ઓફિસમાં ચડ્ડી પહેરેલા બુકાનીધારી અને માથે ટોપી પહેરીને આવેલા બે તસ્કરો એ ટેબલનું કાઉન્ટર તોડી અંદરથી ૨૭.૧૦ લાખની રોકડ ઉઠાવી લીધી હતી,આ ઉપરાંત ફેકટરીમાં અન્ય ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. લેપટોપ મળી કુલ ૨૭.૫૫ લાખની માલમત્તા ઉસેડી ગયા હતાં.
ફરીયાદી હર્ષિતભાઈના જણાવ્યા મુજબ તેઓની ફેક્ટરી ઉપરાંત અન્ય એક ફેમ નામની ફેકટરીમાં પણ તસ્કરો ઘૂસ્યા હતાં. જ્યાં મજૂરો અને, સિક્યુરીટી ગાર્ડને જાણ થઈ જતાં સામે પડકાર ફેંકતા સામસામી પથ્થરમારી થઈ હતી અને તસ્કરો નાસી છૂટયા હતાં.
પડધરી પંથકમાં ચોરીની ઘટનાઓ સમયાંતરે બનતી રહેતી હોવાથી અને શિયાળામાં ઠંડીની સિઝન શરૂ થતાં ચોર લુટારુઓની રંજાડ વધવાણી સંભાવના વધુ હોય કડક પોલીસ પેટ્રોલીંગ શરૂ કરવા વેપારીઓ અને ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. આ અંગે પડધરી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એસ એચ શર્મા ની સૂચનાથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરા ના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.