BREAKING NEWS

પુત્રનો પગ ટ્રેકમાં ફસાતા માતા બચાવવા દોડીઃ ધસમસતી આવેલી ટ્રેનની ટક્કરથી બંનેના મોત, ગુજરાતનો બનાવ

  • October 21, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહેલા માતા-પુત્ર ટ્રેનની અડફેટે આવી જતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાટામાં પગ ફસાઈ ગયેલા પુત્રને બચાવવા માટે માતાએ પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી હતી, પરંતુ એ જ સમયે ધસમસતી આવી પહોંચેલી ટ્રેને બંનેનો ભોગ લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે માતાના મૃતદેહનો અડધો ભાગ નીચે કેનાલમાં જઈ પડ્યો હતો. 

મળતી વિગતો અનુસાર, જૂની બોડેલી વિસ્તારમાં રહેતાં ગંજીબેન ગણપતભાઈ બારીયા (ઉંમર વર્ષ ૬૫) અને તેમના પુત્ર પરેશભાઈ ગણપતભાઈ બારીયા (ઉંમર વર્ષ ૩૨) ખેતર પાસે આવેલી દુકાને પોતાની વહુને ટિફિન આપવા માટે જઈ રહ્યાં હતાં. ટિફિન આપવા જવાના રસ્તા દરમિયાન તેઓ જૂની બોડેલીથી ઝાંખરપુરા તરફ જતાં બોડેલી નર્મદા મુખ્ય કેનાલ પરથી પસાર થતા રેલવે બ્રિજ પરથી ચાલીને જઈ રહ્યાં હતાં.

તેઓ રેલવે બ્રિજ ઓળંગી રહ્યાં હતાં તે જ સમયે અચાનક સામેથી ટ્રેન આવી પહોંચી હતી. આ દરમિયાન અફરાતફરીમાં પુત્ર પરેશભાઈનો પગ રેલવે પાટાની વચ્ચે ફસાઈ ગયો હતો. પુત્રને કાળ બનીને આવી રહેલી ટ્રેન સામે મુશ્કેલીમાં જોતાં જ મમતાથી ભરેલાં માતા ગંજીબેન પોતાની ક્ષણભરની પણ પરવા કર્યા વગર પુત્રનો જીવ બચાવવા માટે તેની તરફ દોડી ગયાં હતાં.

જોકે, માતા ગંજીબેન પોતાના ફસાયેલા પુત્રને બહાર કાઢીને બચાવી શકે તે પહેલાં જ ઝડપભેર આવી પહોંચેલી ટ્રેન બંનેને જોરદાર અડફેટે લઈ લીધાં હતાં. આ ગંભીર અકસ્માતમાં શરીરના ટુકડા થઈ જવાને કારણે માતા-પુત્ર બંનેનું સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે ગંજીબેનના મૃતદેહનો અડધો ભાગ બ્રિજ પરથી નીચે નર્મદા કેનાલમાં ખાબક્યો હતો.

આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોના ભારે ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં રેલવે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરનું પંચનામું કર્યું હતું અને કેનાલમાં પડેલા મૃતદેહના ભાગને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના બે સભ્યો અને તેમાંય પુત્રને બચાવવા જતાં માતાના એકસાથે થયેલા મોતથી પરિવાજનો પર આભ તૂટી પડ્યું છે. હાલમાં રેલવે પોલીસ દ્વારા આ અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application