BREAKING NEWS

રાજકોટમાં સંબંધોનું ખૂન...માતા-પુત્રએ દારૂડિયા પતિનું છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, જાણો હત્યાની ઘટના કેવી રીતે બની

  • November 21, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દિવાળી તહેવારથી શરૂ થયેલ હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત છે. એક મહિનામાં હત્યાના સાત જેટલા બનાવે કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે ત્યારે ગઈકાલે વધુ એક આઠમી હત્યાના બનાવમાં રાજકોટના હુડકો ક્વાર્ટરમાં રોજિંદા ઝઘડા અને ગૃહક્લેશથી કંટાળેલા માતા-પુત્રોએ દારૂડિયા પતિને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા આરોપી માતા-પુત્રની ધરપકડ કરી હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી નજીક હુડકો ક્વાર્ટર શેરી નં.૧૯માં રહેતા નરેશ નટવરલાલ વ્યાસ (ઉં.વ.૪૨)ની હત્યા થયા અંગેની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ બી જાડેજા, પીએસઆઇ જે.જે ગોહિલ, ડીસીપી ઝોન વન હેતલ પટેલ, ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.


ઘરમાં ગૃહક્લેશ ચાલી રહ્યો હતો

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નરેશ નટવરલાલ વ્યાસ (42) વાળો નશો કરવાની ટેવ ધરાવતો હોય જેના કારણે પત્ની સ્મિતાબેન અને પુત્ર હર્ષ તેમજ પાર્થ સાથે દારૂનો નશો કર્યા બાદ અવારનવાર ઘરમાં ગાળાગળી કરતો હોય અને વારંવાર ઝઘડા કરતા ઘરમાં ગૃહક્લેશ ચાલી રહ્યો હતો.


રોજની માથાકૂટથી પરિવાર કંટાળ્યો હતો

વધુમાં જાણવા મળ્યા મુજબ ગઈકાલે પણ દરરોજની માફક વ્યસનની નરેશે તેના પત્ની અને પુત્રો સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં પત્ની અને પુત્રોએ દરરોજની માથાકૂટથી કંટાળી પતિ નરેશને છરીના ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને વધુ પડતા બ્લડિંગના કારણે થોડીવારમાં જ ઘટના સ્થળે અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.


પુત્રોએ પિતા પાસેથી છરી આંચકી તેને જ પોરવી દીધી

વધુમાં મૃતક નરેશભાઈના પરિવારમાં પત્ની સ્મિતાબેન, પુત્ર પાર્થ અને હર્ષ હોવાનું તેમજ નરેશભાઈ હોલસેલમાં મોજાનો વેપાર કરતા હોય ત્યારે સાંજે ઘરે આવ્યા બાદ પરિવાર સાથે બેઠા હતા. દરમિયાન કોઈ પણ કારણ સર પત્ની સ્મિતાબેન સાથે ઝઘડો થયો હતો. ત્યારે પુત્ર હર્ષ અને પાર્થ પણ હાજર હોય જેઓએ પિતાને ઝઘડો ન કરવા કહી વચ્ચે પડતા ઝપાઝપી દરમિયાન નરેશભાઈએ પોતાના પાસે રાખેલી છરીથી પુત્રો ઉપર હુમલો કરવા જતાં જ બન્નેએ મળીને તે જ છરી આંચકી નરેશભાઈના પેટમાં ઝીંકી દીધી હતી.


મોટે મોટેથી અવાજ સંભળાતા પડોશીઓએ પોલીસને જાણ કરી

આ ઝઘડાનો મોટે મોટેથી અવાજ સંભળાતા પડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની સ્મિતાબેન અને તેમના પુત્ર પાર્થ અને હર્ષને સકંજામાં લીધા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . ભક્તિનગર પોલીસે નરેશભાઈના રાજકોટ રહેતા બે બહેનોનો સંપર્ક કરીને બનાવ અંગે જાણ કરતાં રેલ નગર દ્વારકેશ સોસાયટીમાં રહેતા મૃતકના મોટા બહેન વર્ષાબેન રમેશભાઈ પંડ્યા દોડી આવ્યા હતા અને પોલીસે તેમની ફરિયાદ પરથી ભાભી સ્મિતાબેન નરેશભાઈ વ્યાસ અને ભત્રીજા હર્ષ નરેશભાઈ વ્યાસ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application