રાજકોટ જિલ્લામાં આજે NEET PG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રેજ્યુએટ)ની પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં રાજકોટ શહેરમાં બે અને સમગ્ર જિલ્લામાં કુલ 5 પરીક્ષા કેન્દ્રો પર આશરે 1200 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. જોકે, પરીક્ષા શરૂ થાય તે પહેલાં આત્મીય કોલેજ સ્થિત પરીક્ષા કેન્દ્ર બહાર એક ભારે હાઈવોલ્ટેડ ડ્રામા અને દોડાદોડીના દ્રશ્યો સર્જાયા હતા. ડોક્યુમેન્ટ્સ અને પ્રવેશ પ્રક્રિયાને લઈને ઉમેદવારો અને વાલીઓમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશના અંતિમ સમયે વિદ્યાર્થીઓના આઈડી પ્રૂફ અને અન્ય ડોક્યુમેન્ટ્સની કલર ઝેરોક્ષ મેળવવા માટે અંતિમ ક્ષણોમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન જરૂરી દસ્તાવેજોના અભાવે એક વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો હતો. પોતાની પુત્રીનું ભવિષ્ય રોળાઈ જવાની ભીતિથી કેન્દ્ર બહાર ઊભેલા પરિવારજનો ભાંગી પડ્યા હતા. વિદ્યાર્થીનીની માતા કેન્દ્ર બહાર જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને માનસિક આઘાતમાં આવી જતાં તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા.
આ ઘટનાને પગલે કોલેજ કેમ્પસ બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, થોડા સમય બાદ પરીક્ષા તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોઈને પ્રક્રિયા સમીક્ષા કરવામાં આવી હતી. પહેલા જે વિદ્યાર્થીનીને પ્રવેશ માટે રિજેક્ટ કરવામાં આવી હતી, તેને તંત્ર દ્વારા પરત બોલાવીને આખરે પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીને એન્ટ્રી મળતાં જ તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થો ઊભા કર્યા હતા.