BREAKING NEWS

બિસ્કિટના બોક્સની આડમાં કરોડોના ડ્રગ્સની હેરાફેરી, અમદાવાદમાં મુંબઈનો શખસ રૂ.૧૪.૧૬ કરોડના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

  • June 02, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની નરોડા પોલીસે કરોડો રૂપિયાની કિંમતનું અને આંતરરાષ્ટ્રીય લિંક ધરાવતું મેથામ્ફેટામાઇન (એમડી) ડ્રગ્સ ઝડપી પાડીને રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે. પોલીસે નાના ચીલોડા સર્કલ પાસે સચોટ વોચ ગોઠવીને બિસ્કિટના બોક્સની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા મુંબઈના એક શાતિર શખસને અંદાજે 7 કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ દબોચી લીધો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 14.16 લાખ રૂપિયા જેવી થાય છે

મળતી સત્તાવાર માહિતી અનુસાર, નરોડા પોલીસની ટીમને એક ગુપ્ત અને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખસ ભારે માત્રામાં નશીલા પદાર્થ સાથે અમદાવાદમાં પ્રવેશવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને નાના ચીલોડા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલા એક શખસને આંતરીને તેની તલાશી લીધી હતી. પોલીસની સઘન તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ મહોમદસાજીદ શેખ તરીકે થઈ છે, જે મૂળ મુંબઈનો રહેવાસી છે અને ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરતો હતો.

પોલીસ અધિકારીઓએ જ્યારે આરોપી સાજીદ શેખ પાસે રહેલી કાળા રંગની ટ્રાવેલ બેગની તલાશી લીધી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બેગમાંથી બિસ્કિટના પાંચ મોટા ફેન્સી બોક્સ મળી આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગતા આ બોક્સની અંદર ખાવાના સામાનના બદલે અત્યંત ઘાતક ગણાતા મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો પાવડર અને નાના-મોટા ટુકડા છુપાવવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમની મદદ લઈને તપાસ કરાવતા આ જથ્થો શુદ્ધ ક્વોલિટીનું એમડી ડ્રગ્સ હોવાનું પ્રમાણિત થયું હતું.

પોલીસની પ્રાથમિક અને આકરી પૂછપરછમાં ડ્રગ્સના આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપીએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તેનો સંપર્ક મુંબઈમાં રહેતા એક નાઈજીરિયન નાગરિક ક્યુબેન સાથે થયો હતો. આ નાઇજીરીયન હેન્ડલરના આદેશથી તે મુંબઈથી ટ્રેન મારફતે રાજસ્થાનના જયપુર ખાતે આવેલ સિંધી કેમ્પ બસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં તેને એક અજાણ્યા શખસે આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભરેલી ટ્રાવેલ બેગ સોંપી હતી. આ જથ્થો લઈને તે વાયા અમદાવાદ થઈને પરત મુંબઈ સપ્લાય કરવા જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસની જાળમાં ફસાઈ ગયો. ચોંકાવનારી વાત એ છે કે, આટલી મોટી સપ્લાય ટ્રીપના બદલામાં તેને માત્ર ૧૦,૦૦૦ રૂપિયા મળવાના હતા.

નરોડા પોલીસે પકડેલા આ જથ્થાનું ચોક્કસ વજન કરતા તે ૭૦૮૪.૦ ગ્રામ (અંદાજે ૭.૦૮ કિલો) હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારની કિંમત મુજબ ૧ ગ્રામના અંદાજે ૨૦,૦૦૦ રૂપિયા લેખે આ ડ્રગ્સની કુલ કિંમત રૂપિયા ૧૪,૧૬,૮૦,૦૦૦ (ચૌદ કરોડ સોળ લાખ એંસી હજાર) થાય છે. આ સિવાય પોલીસે આરોપી પાસેથી સ્માર્ટફોન, રોકડા રૂપિયા, ઓળખ પત્ર અને ટ્રાવેલ બેગ સહિત કુલ ૧૪,૧૬,૯ smart_id_redacted,૮૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે આરોપી સાજીદ શેખ સામે એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે. આ હાઈપ્રોફાઈલ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે કામ કરી રહી છે. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર એવા નાઇજીરીયન હેન્ડલર ક્યુબેન તથા જયપુરમાં ડ્રગ્સ ડિલિવરી આપનાર અજાણ્યા શખસની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને રાજસ્થાન અને મુંબઈ રવાના કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application