મુંબઈની જાણીતી સેલિબ્રિટીઝ અને બોલીવુડના કલાકારો સાથે સારા સંબંધો હોવાનો દાવો કરી સુરતના એક ઇવેન્ટ મેનેજમેન્ટના વેપારી સાથે રૂપિયા ૧.૪૧ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં સિંગર અરજીત સિંઘ, કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રી નોરા ફતેહીના લાઈવ કોન્સર્ટ શો યોજી આપવાના બહાને મુંબઈની બે કંપનીના ડિરેક્ટર્સે ટુકડે-ટુકડે મોટી રકમ પડાવી લીધી હતી. આ ચકચારી ઘટના અંગે સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી આપવા બદલ ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, સુરતના ઉતરાણ વિસ્તારમાં રહેતા અને મોટા વરાછાના 'એ આર મોલ'માં 'શુભારંભ એન્ટરટેઇન્ટમેન્ટ' નામે ઇવેન્ટ મેનેજમેન્ટનો ધંધો કરતા ૨૮ વર્ષીય યુવાન અભિષેક બોરડા અને તેમના ભાગીદાર નંદીશ ઝડફિયાએ વર્ષ ૨૦૨૪માં સુરત ખાતે એક મોટો લાઈવ મ્યુઝિકલ શો કરવાનું આયોજન કર્યું હતું. આ આયોજન દરમિયાન તેઓનો સંપર્ક મુંબઈના બે ભેજાબાજો અનિંદા નેતાઇ સીલ (ડિરેક્ટર, બેઝ ૫૨ એન્ટરટેઇન્મેન્ટ પ્રા.લી.) અને અનંતકુમાર શિવનાથ ગુપ્તા (ડિરેક્ટર, રિધ્ધિ સિધ્ધિ મોશન પીચ્ચર પ્રા.લી.) સાથે થયો હતો. આ બંને આરોપીઓએ બોલીવુડની મોટી હસ્તીઓ સાથેના પોતાના ફોટા બતાવી, ઇન્ડસ્ટ્રીમાં પોતાની મોટી વગ હોવાની લોભામણી વાતો કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.
આરોપીઓએ શરૂઆતમાં સુરતમાં પ્રખ્યાત સિંગર અરજીત સિંઘનો લાઈવ શો પાકો કરી આપવાનો ભરોસો આપ્યો હતો અને પ્રથમ ટોકન પેટે રૂપિયા ૧૧,૦૦,૦૦૦ મેળવીને કાયદેસરનું એમઓયુ કરી આપ્યું હતું. જો કે, ટોકન રકમ લીધા બાદ આરોપીઓએ થોડા સમય પછી રંગ બદલ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ કારણોસર અરજીત સિંઘનો શો થાય તેમ નથી, તેના બદલે તેઓ કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શો ગોઠવી આપશે. ત્યારબાદ કલાકારોની એડવાન્સ ફી, સુરત ખાતે સ્થળ પસંદગી (રેકી) કરવા માટે આવવા-જવાના ખર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલ મેરીયોટના રૂમ બુકિંગ સહિતના જુદા-જુદા બહાના હેઠળ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા ૧,૪૩,૧૨,૪૨૨ જેવી માતબર રકમ પડાવી લીધી હતી.
છેતરપિંડીની આ રમત અહીં જ ન અટકી, મુખ્ય આરોપી અનિંદા સીલની કંપની 'બેઝ ૫૨ એન્ટરટેઇન્મેન્ટ પ્રા.લી.'નો જીએસટી નંબર સરકારી ઓથોરીટી તરફથી અગાઉથી જ બ્લોક કરવામાં આવ્યો હતો. આમ છતાં, આરોપીઓએ ફરિયાદીને અંધારામાં રાખીને તા. ૨૭-૦૫-૨૦૨૪ના રોજ ઇનવોઇસ બિલ નંબર બેઝ52/2324/02થી એક ખોટું અને ઇન્વેલિડ બિલ આપીને છેતરપિંડી આચરી હતી. ફરિયાદીના સીએ દ્વારા જ્યારે આ બિલની ટેક્સ કમ્પ્લાયન્સ માટે તપાસ કરવામાં આવી, ત્યારે આ આખી પોલ ખુલ્લી પડી ગઈ હતી અને વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
પોતાની સાથે છેતરપિંડી થતાં ફરિયાદીએ અગાઉ પોલીસમાં અરજી કરી હતી, જેથી તે સમયે આરોપીઓએ કાયદાના ડરથી વિશ્વાસ કેળવવા માટે માત્ર રૂપિયા ૧,૧૫,૦૦૦ પરત આપ્યા હતા અને બાકીની રકમ માટે સિક્યુરિટી ચેક આપ્યા હતા, જે બેંકમાં રજૂ કરતા બાઉન્સ થયા હતા. ફરિયાદીએ જ્યારે પોતાની બાકી નીકળતી મુદ્દલ રકમ રૂપિયા ૧,૪૧,૯૭,૪૨૨ની કાયદેસરની ઉઘરાણી કરી, ત્યારે આરોપી અનિંદા સીલે ઉંચા અવાજે ધમકી આપતા કહ્યું હતું કે, "હવે એક પણ રૂપિયો પરત નહીં મળે, તારાથી થાય તે કરી લે, હું એમ જ દાદા નથી કહેવાતો."
આખરે મુંબઈના ઠગોના ત્રાસ અને ધમકીથી કંટાળીને ફરિયાદી અભિષેક બોરડાએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી અનિંદા નેતાઇ સીલ, અનંતકુમાર શિવનાથ ગુપ્તા અને ટી.એમ. (એન્ટરટેન્ટમેન્ટ કન્સલ્ટ ઇન્ડીયા પ્રા.લી.) ના ડિરેક્ટર્સ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાઘુવીરભાઈ દિલિપભાઈ ધાધલને સોંપી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.