રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી તેમજ દેશ વિદેશના ટોચના મહાનુભાવો રાજકોટ શહેરની મુલાકાતે આવનાર હોય રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સિટી બ્યુટિફિકેશન માટે હાલથી જ ૨૦૦ જેટલા અધિકારીઓ અને ઇજનેરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. દરેક બાબત ઉપર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે અને ડે ટુ ડે ફોલો અપ મેળવી રહ્યા છે.
રાજકોટ શહેરમાં હાલ નવા પેવર રોડ, રિ-કાર્પેટ, રોડ ડિવાઇડરને કલર કામ, નવી એલઇડી લાઇટ્સનું ફિટિંગ, મુખ્યમાર્ગો ઉપર વૃક્ષોના નડતરરૂપ ડાળખાનું ટ્રિમિંગ, રોડ પેઇન્ટિંગ, પીએમના રોડ શોના સંભવિત રૂટ ઉપરથી સ્પીડ બ્રેકર્સ દૂર કરવા સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં આવનાર મહાનુભાવોના રૂટને બ્યુટિફિકેશનમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તદઉપરાંત સમગ્ર શહેરને સજાવવા માટે તડામાર કામગીરી શરૂ કરાઇ છે.
પીએમના આગમન પૂર્વે સમગ્ર શહેરને સાજ શણગારથી સજાવવામાં આવશે. વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં આવનાર મહાનુભાવો પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેનાર હોય હાલથી જ અટલ સરોવર, મહાત્મા મ્યુઝિયમ, પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ સહિતના પ્રવાસન સ્થળોએ પણ નવા સાજ શણગાર સજાવવામાં આવી રહ્યા છે.
(૧) કાલાવડ રોડ ઉપર પેવર રિ કાર્પેટ
(૨) નાના મવા રોડ પેવર રિ કાર્પેટ
(૩) રેસકોર્સ રોડ ઉપર ટ્રી ટ્રીમિંગ
(૪) નવી એલઇડી લાઈટ્સનું ફિટિંગ
(૫) રોડ ડીવાઈડરને કલરકામ
(૬) ફૂટપાથ રિપેરિંગ/નવા પેવિંગ બ્લોકનું કામ શરૂ