રાજકોટ મહાપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારથી સહાયથી પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ નજીક નિર્માણ થઇ રહેલા એશિયાટિક લાયન સફારી પાર્કનું કામ પૂરજોશમાં ચાલુ છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાની મુદ્ત તો જૂન ૨૦૨૬ છે પરંતુ જે ઝડપે કામ ચાલી રહ્યું છે તે જોતા ઉનાળુ વેકેશન પૂર્વે પાર્ક ખુલો મુકવા તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
શહેરના પર્યટન વિકાસ તથા પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણને ધ્યાને રાખીને અમલમાં મુકાયેલ લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આજ રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઈ ચાલુ તથા પૂર્ણ થયેલ કામગીરીની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મ્યુનિ.કમિશનરએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો પાસેથી પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ બાંધકામ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તથા કામની ગુણવત્તા, સુરક્ષા વ્યવસ્થા અને સમયમર્યાદા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરોક્ત મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર પી.પી. પટેલ, સીટી એન્જીનિયર શ્રીવાસ્તવ, ઝૂ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.હિરપરા સહિતના સંબંધિત અધિકારીઓ તથા પ્રોજેક્ટ સ્ટાફ હાજર રહ્યો હતો.
પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણ થયેલી કામગીરી
૧.પ્રોજેક્ટ વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૨.૭૫ મીટર ઊંચાઈની કમ્પાઉન્ડ વોલનું બાંધકામ પૂર્ણ
૨.પ્રાણીઓ તથા મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખી પાંચ મીટર મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્સિંગ દિવાલની કામગીરી પણ પૂર્ણ
૩.પ્રાણીઓ માટે આવશ્યક સુવિધાઓ પુરી પાડવા હેતુથી નાઇટ શેલ્ટરનું બાંધકામ પૂર્ણ
૪.સફારી પાર્કના આંતરિક વિસ્તારમાં સરળ અવરજવર માટે ઇન્ટરનલ રોડ બનાવવાની કામગીરી પૂર્ણ
૫. પાર્ક વિસ્તારની બહાર ઇન્સ્પેકશન રોડનું બાંધકામ પણ પૂર્ણ
૬. સફારી પાર્કમાં પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા સુવ્યવસ્થિત બનાવવા માટે ટુ-વે ગેટની કામગીરી પૂર્ણ
૭. પાર્કની અંદર જરૂરી માળખાકીય સુવિધાના ભાગરૂપે પાણીના ટાંકા બનાવવાની કામગીરી પૂર્ણ