મ્યુનિ.બજેટ જાન્યુઆરીના અંતે, કદ ૩૨૦૦ કરોડથી વધશે; અનેક નવા પ્રોજેક્ટ્સ મુકાશે
મ્યુનિ.બજેટ જાન્યુઆરીના અંતે, કદ ૩૨૦૦ કરોડથી વધશે; અનેક નવા પ્રોજેક્ટ્સ મુકાશે
January 03, 2026 02:45 PM
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત તા.૧૧ માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. એસઆઈઆરની કામગીરીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે મહિના પાછી ઠેલાય તે હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે.આવામાં કોર્પોરેશનની હિસાબી શાખા દ્વારા નવા નાણાકીય વર્ષનું અંદાજપત્ર બનાવવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે.તમામ શાખાના અધિકારીઓને વર્ષ દરમિયાન થનારી આવક અને જાવકના આંકડાઓ આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સ યોજાવાની હોવાના કારણે અનેક શાખાના અધિકારીઓ કામગીરીમાં વ્યસ્ત હોવાથી હજી સુધી વિગતો આપી શક્યા નથી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા 29થી 31 જાન્યુઆરી દરમિયાન દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે .ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સામે આવકમાં ખાસ વધારો થતો નથી. જેના કારણે બજેટમાં શહેરીજનો પર કરોડોનો કરબોજ લાદવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે. જોકે ત્રણ મહિના પછી કૉર્પોરેશનની ચૂંટણી યોજવાની હોય શાસકો રાજકોટવાસીઓ પર એક પણ રૂપિયાનો નવો કરબોજ સ્વીકારશે નહીં તે પણ ફાઇનલ છે.
ચાલુ નાણાકીય વર્ષનું રૂ.૩૧૧૮ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટ ૨૦૦૦ કરોડ રૂપિયા આસપાસ સમેટાય જાય તે દેખાય રહ્યું છે. ચૂંટણી પછી ઠેલાશે તે વાત લગભગ ફાઈનલ જેવી મનાઈ રહી છે જેને ધ્યાનમાં રાખી એકાઉન્ટ વિભાગ દ્વારા બજેટ બનાવવા માટે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી તમામ બ્રાન્ચ પાસે નવા નાણાકીય વર્ષમાં થનારી આવક અને જાવકના આંકડાઓ મંગાવવામાં આવી રહ્યા છે. પચાસ ટકાથી વધુ બ્રાન્ચોએ વિગતો આપી દીધૂ છે. જ્યારે અન્ય બ્રાન્ચોના અધિકારીઓ હાલ વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે હજી સુધી આવક જાવકના આંકડાઓ આપી શક્યા નથી. ઉતરાયણ બાદ બજેટ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવશે. સંભવત: ૨૯ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દેવામાં આવશે. જેના પર સતત એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ૧૦ ફેબ્રુઆરી આસપાસ બજેટને મંજૂરીની મોહર મારી દેવામાં આવશે. ચૂંટણી વર્ષ હોય શાસકો દ્વારા બજેટમાં અનેક યોજનાઓનું ઉમેરો કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. કોર્પોરેશન પાસે પોતીકી આવક એકમાત્ર ટેક્સની જ છે. છેલ્લા કેટલાક વર્ષથી હવે ટેક્સની આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી. આવામાં આવક અને ખર્ચના ટાંગામેળ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટમાં શહેરીજનો ઉપર કરોડો રૂપિયાનો કરબોજ લાદવાની દરખાસ્ત કરશે તે પણ લગભગ ફાઈનલ મનાય રહ્યું છે. બીજી તરફ ચૂંટણી વર્ષમાં શહેરીજનોની વાહ વાહી લૂંટવા માટે શાસકો એક ઝાટકે કરબોજની દરખાસ્ત ફગાવી દે તે પણ નિશ્ચિત જ જણાય રહ્યું છે. બજેટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આ ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ પણ જાહેર કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષનું રૂ.૩૧૧૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જોકે રિવાઇઝ બજેટમાં આ આંક ૨૦૦૦ કરોડ આસપાસ અટકી જાય તેવું હાલ જણાય રહ્યું છે.