BREAKING NEWS

પીએમ મોદીના ટ પર 12 સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી નગરપાલિકાના કર્મચારી સસ્પેન્ડ

  • November 06, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પસાર થવાના માર્ગ પર 12 સ્ટ્રીટલાઇટ બંધ અને કેટલીક લાઇટ ઝબૂકતી હોવાની ઘટના સામે આવ્યા બાદ ડભોઈ નગરપાલિકાના એક કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાના લાઇટ વિભાગના ચાર્જમાં રહેલા ક્લાર્ક મહેશ વસાવાને ફરજમાં કથિત બેદરકારી બદલ છ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



અહેવાલ મુજબ, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરજ શાહે 31 ઓક્ટોબરના રોજ સસ્પેન્શનનો આદેશ જારી કર્યો હતો. આદેશમાં મહેશ વસાવાને સસ્પેન્શનની મુદત પૂર્ણ થયા બાદ સક્ષમ સત્તાધિકારી સમક્ષ હાજર રહીને પોતાની બેદરકારી અંગે ખુલાસો કરવા જણાવાયું છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 48 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.



સસ્પેન્શનના આદેશ મુજબ, 31 ઓક્ટોબરે વીવીઆઈપી મહાનુભાવોની અવરજવરને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જેમાં સફાઈ, રખડતા પશુઓ પર નિયંત્રણ અને સ્ટ્રીટલાઇટની જાળવણીનો સમાવેશ થતો હતો. લાઇટ વિભાગના ચાર્જમાં રહેલા ક્લાર્ક તરીકે મહેશ વસાવાની મુખ્ય જવાબદારી માર્ગ પરની લાઇટ યોગ્ય રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાની હતી.



જોકે, નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી હોવા છતાં જરૂરી મરામત સમયસર કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યા મુજબ, સિનર ચોકડીથી ભોગોળ વિસ્તાર થઈ સરિતા બ્રિજ સુધીના માર્ગ પર 12 સ્ટ્રીટલાઇટ બંધ હાલતમાં હતી, જ્યારે કેટલીક અન્ય લાઇટ ઝબૂકતી હતી.



31 ઓક્ટોબરે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હેલિકોપ્ટર મારફતે વડોદરા એરપોર્ટ જવાના હતા. જોકે, સાંજ પડી ગઈ હોવાથી હેલિકોપ્ટરના બદલે અંદાજે 90 કિલોમીટરનો પ્રવાસ રોડ માર્ગે કરીને વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડોદરાને જોડતો હાઇવે ડભોઈની બહારથી પસાર થાય છે.
સસ્પેન્શનના આદેશમાં મહેશ વસાવાને 6 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સક્ષમ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહીને પોતાનો ખુલાસો રજૂ કરવા જણાવાયું હતું. આદેશમાં કર્મચારી વિરુદ્ધ અગાઉ પણ વારંવાર ફરિયાદો મળી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, વસાવા દ્વારા કરવામાં આવેલા કેટલાક કામોની અન્ય તપાસ ચાલી રહી છે અને હાલની કાર્યવાહી તે તપાસ સાથે પણ જોડાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમને સોંપવામાં આવેલી વધારાની જવાબદારીઓ અને ચાર્જ પણ પરત ખેંચી લેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application