BREAKING NEWS

જામનગર : નવા વર્ષના પ્રારંભે હત્યા: સચાણામાં જુથ અથડામણમાં આધેડની લોથ ઢાળી દેવાઇ

  • January 01, 2026 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ૨૦૨૬ નવા વર્ષના પ્રારંભે હત્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, સચાણામાં ગઇ મોડી સાંજે બે જુથ વચ્ચે ધિંગાણું થયુ હતું જેમાં બંને જુથના મહિલા સહિત દસેક જેટલા લોકોને ઇજા પહોચતા તાબડતોબ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


 જેમાં ગંભીર ઇજા પામેલા એક આધેડનું સારવારમાં મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે. જેના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમ્યાનમાં પોલીસ દ્વારા મોડી રાત્રીના આ બનાવ સબંધે ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

જામનગર તાબેના સચાણા ગામમાં ગઇ મોડી સાંજે બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી અને હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા ૧૦ વ્યકિતને નાની મોટી ઇજાઓ પહોચી હતી આથી જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયાં એકની હાલત ગંભીર ગણાવવામાં આવી હતી દરમ્યાનમાં ઇસ્માઇલભાઇ નામના આધેડનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેની જાણ થતા પંચકોશી-એના પીઆઇ શેખ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.


પ્રાથમિક વિગતોમાં મચ્છીની ઝાળના પૈસા બાબતે બબાલ થયાનું સામે આવ્યુ હતું, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, મોડી રાત સુધી ધમધમાટ જોવા મળ્યો હતો, દરમ્યાન એસપી ડો. રવિ મોહન સૈની તથા ગ્રામ્ય ડીવાયએપી દેવધાની સુચનાથી પંચ-એ પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ આદર્યો હતો અને બનાવ સબંધે ફરીયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. 

​​​​​​​

વર્ષના આખરી કલાકોમાં સચાણામાં ધિંગાણુ થયુ હતું અને એ પછી એક વ્યકિતએ દમ તોડતા નવા વર્ષના પ્રારંભે પોલીસ ચોપડે હત્યાનો બનાવ નોંધાયો હતો આમ ૨૦૨૬ના વર્ષની શરૂઆત લોહીયાળ બની છે.


ઉપરોકત બનાવ અંગે જામનગર તાલુકાના સચાણા તળાવ ફળીયા ખાતે રહેતા હાજી બચુભાઇ કકકલ (ઉ.વ.૩૨) દ્વારા મોડી રાત્રીના પંચ-એમાં સચાણામાં રહેતા અકબર દાઉદ બુચડ, ઉમર દાઉદ બુચડ, સીદીક દાઉદ બુચડ, જાફર જાફર બુચડ, ઇમરાન ઉમર બુચડ, અફઝલ ઉમર બુચડ, જુસબ ઓસમાણ ગંઢાર, સુલતાન જાકુ બુચડ, આબીદ હાજી સાઇચા, જાકીરહુશેન જુમાઅલી જામ, શબીર અસગર બુચડ, જીલાની અસગર બુચડ, જાવેદ જુમાઅલી જામ તથા જુમા અલી જામ આ ૧૪ની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૩(૧), ૧૧૮(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ દાખલ કરી હતી.


જેમાં જણાવ્યા મુજબ ગઇકાલે સાંજના સુમારે સચાણા ગામમાં માથાકુટ થઇ હતી જેની વિગત મુજબ ફરીયાદીએ આરોપી અકબર દાઉદ પાસેથી માછલી પકડવાની જાળી લીધેલી હોય જેના રૂપીયા બાબતે ફરીયાદી તથા આરોપી વચ્ચે મનદુ:ખ ચાલતુ હતું જેનો ખાર રાખીને ઉપરોકત આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચી તીક્ષણ હથિયારો સાથે આવીને ફરીયાદી તથા સાહેદો પર જીવલેણ હુમલો કર્યો હતો.



જેમાં ફરીયાદીના બનેવી ઇસ્માઇલભાઇને આરોપી અકબરે છરી વડે જીવલેણ ઇજા કરતા તેમનું મૃત્યુ નિપજયુ હતું તેમજ તમામ આરોપીઓએ ફરીયાદી તેમજ સાહેદોને શરીર, માથાના ભાગે નાની મોટી ઇજાઓ પહોચાડી હતી. આ ફરીયાદના આધારે પંચ-એના પીએસઆઇ એમ.એન. શેખ તપાસ ચલાવી રહયા છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application