કાંગશીયાળી પાસે રહેતા યુવાનને માલધારી ફાટક પાસે રહેતા શખસે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. લીલુ વેચવાની ધંધાની હરીફાઇમાં યુવાનના પિતા અને કાકાની આરોપીઓએ હત્યા કરી હોય જેમાં યુવાન ફરિયાદી હોય તેને તેને સમાધાન માટેનું કહી ધમકી આપવામાં આવી હતી.
બંજરગ સોસાયટી મેઈન રોડ રસુલપરા પાછળ કાંગશીયાળી રોડ પર રહેતા લક્ષ્મણભાઈ જેસીંગભાઈ શીયાળીયા(ઉ.વ.૨૭) નામના ભરવાડ યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માલધારી ફાટક પાસે ગોપાલનગરમાં રહેતા ભરત મેલાભાઇ શીયાળીયાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કાંગશીયાળી રોડ ઢોલરા ચોકડીએ મોમાઇ કાર નામે ગાડીનુ સર્વીસ સ્ટેશન ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. યુવાનના પિતા જેસીંગભાઇની વર્ષ ૨૦૧૮ માં હત્યા થઇ હતી. વર્ષ ૨૦૧૮ માં યુવાનના પિતા જેસીંગભાઈ ઢોલરા ચોકડીએ લીલાનો થડો રાખી ધંધો કરતા હતા અને તેમની સાથે લીલાના ધંધામાં મોટાબાપુ વિભાભાઈનો દિકરો મીઠાભાઈ જે ભાગીદાર હતો અને લીલાનો ફેરાનુ કામ યુવાનના પીતાજીના પીતરાઇ ભાઈ વેજાભાઈ ખિમાભાઈ અલગોતર જેમની પાસે રીક્ષા હોય તે કરતા હતા અને તેમના ધંધાની નજીકમાં યુવાનના કૌટુંબીક ભાઇ મેલાભાઈ વરજાંગભાઇ શીયાળીયા તથા તેના ભાઇ નવઘણભાઈ વરજાંગભાઇ શીયાળીયાએ લીલુ વેચવાનુ થડો ચાલુ કર્યો હતો અને ત્યા મેલાભાઇના દિકરો વિશાલ ઉર્ફે લાલો અને ભરત પણ થડે બેસતા. તેઓ ચારેય માણસો થડા પર હાજર રહેતા અને આ ધંધાની હરીફાઇના કારણે તેઓ અવાર નવાર ત્યાથી નીકળતા અને સામે જોયા કરતા અને નીકળતી વખતે જેમ તેમ બોલતા જતા હતાં.
ગઇ તા.૦૮/૦૪/૨૦૧૮ રોજ સવારના યુવાન તથા તેના પીતાજી જેસીંગભાઈ તથા કાકા વેજાભાઈ, મોટા બાપુનો દિકરો મીઠાભાઈ હાજર હતા અને લીલુ ઉતારતા હતા આ સમયે અચાનક મેલાભાઈ વરંજાગભાઈ શીયાળીયા,નવઘણભાઈ વરજાંગભાઈ શીયાળીયા,મેલાભાઈના દિકરો વિશાલ ઉર્ફે લાલો મેલાભાઇ શીયાળીયા અને ભરતભાઈ મેલાભાઈ શીયાળીયા ધસી આવ્યા હતા અને હથિયાર વડે હુમલો કરી દીધો હતો.જેમાં યુવાનના પિતા તથા કાકાને વધારે ઇજાઓ થતા બંનેના મોત થયા હતાં. બેવડી હત્યાના આ બનાવમાં ચારેય મેલા, નવઘણ,વિશાલ ઉર્ફે લાલો તથા ભરતભાઇ જેલમાં હતા અને ભરત નાની ઉંમરનો હોય આથી થોડા સમય પછી તેને જામીન મળ્યાહતા અને સને ૨૦૧૯ માં વિશાલ ઉર્ફે લાલાને જામીન મળેલા અને સને ૨૦૨૨ માં નવઘણભાઇને પેરોલ મળેલી અને ત્યા બાદ તે ફરાર થઇ ગયો છે. વર્ષ ૨૦૨૪ માં મેલાને જામીને મળ્યા છે અને હાલ આ કેસના કોર્ટમાં ચાલુ થયેલ છે અને હાલ તેની મુદતે યુવાન ફરિયાદી હોવાથી હોવાથી તે જાય છે તેનો ખાર રાખી અવાર નવાર તેને કાઈને કાઈ બોલતા હોય છે અને સમાધાન કરવા માટે ધમકાવે છે.
ગઇ તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ યુવાન બપોરના સાડા ત્રણેક વાગ્યે તેના સર્વીસ સ્ટેશન ખાતે હાજર હતો ત્યારે ભરત મેલાભાઇ શીયાળીયા તેનુ બાઇક લઇને યુવાન પાસે આવ્યો અને યુવાનની બાજુમાં વાહન ઉભુ રાખી કહ્યું હતું કે, તને બોવ પાણી ચડી ગયેલ છે તું સમાધાન નથી કરતો આથી તને પતાવી દેવો છે, બે મર્ડર કરેલા છે તારૂ ત્રીજુ કરતા વાર નહીં લાગે આમ કહી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી.દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થતા અને અહીં માણસો ભેગા થવા લાગતા તે આરોપી ભરત અહીંથી વાહન લઇ નાસી ગયો હતો. આ અંગે યુવાને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધમકી અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.