રાજકોટમાં વ્યાજખોરીના દષ્ણને ડામવા પોલીસ સમયાંતરે લોકદરબાર કરતી હોવાછતા વ્યાજખોરોને કોઇ ફરક પડતો ન હોય તે વાતની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં વર્લ્ડ ઈન બોક્સ એકડેમી ચલાવતા અને શાસ્ત્રીનગરમાં રહેતા યુવાન પાસેથી ૧ કરોડનું ૪૦ ટકા વ્યાજ લઈ લીધા બાદ પણ વ્યાજખોર બંધુએ વધુ ૧૦ કરોડ માંગતા યુવાન ઘર છોડી લાપતા બન્યો છે. બીજી તરફ યુવાનનો ભાઇ જે રેવન્યુ તલાટી હોય તેને મેટોડા પાસે આંતરી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે યુનિવર્સિટી અને મેટોડા પોલીસમાં બે અલગ અલગ ફરિયાદ નોંધવવામાં આવી છે.
બનાવ અંગે રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર શીતલ પાર્ક પાસે શાસ્ત્રીનગર શેરીમાં રહેતાં વિનુભાઇ મેપાભાઇ વિરડા (ઉ.વ.૬૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય મકવાણા અને ભાવેશ મકવાણાના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સ્લેબ ભરવાનુ કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમના પરીવારમાં પત્ની હેમીબેન, બે પુત્રમાં મોટો પુત્ર દિલીપભાઈ તથા નાનો વિશાલભાઈ છે.
ગઈ તા.૧૧/૧૦ ના તેમનો નાનો દિકરો વિશાલ ઘરેથી કઈ કહ્યા વગર જતો રહેલ હોય જેથી અમે યુની. પોલીસ સ્ટેશન ખાતે તા.૧૨/૧૦ ના રોજ ગુમ નોંધ ફરીયાદ નોંધાવેલ હતી. જે બાદ તે તા.૧૪/૧૦ ના પોતાની જાતે તે ઘરે પરત આવી જતા તેને જવાનુ કારણ પુછતા જણાવેલ કે, વિજય મકવાણા તથા ભાવેશ મકવાણા બંન્ને ભાઇઓ જે સોસાયટીમાં જ રહેતા હોય અને તેમની ઓફીસ રામાપીર ચોકડી ખાતે જાનકી કોમ્પ્લેક્ષમાં જય દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ નામથી ચલાવે છે. તે લોકો પાસેથી મે વ્યાજે પૈસા લીધેલ હતાં. જેનુ વ્યાજ વધુ ચડી જતા તેઓ મારી પાસે વ્યાજના પૈસાની ઉધરાણી કરતા હોય અને તે પૈસા હું આપી શકુ તેવી મારી હાલત નથી જેથી તેમનાથી કંટાળીને હું ઘર છોડીને જતો રહેલ હતો.
જેથી ફરીયાદીએ તેના પુત્રને પુછેલ કે કેટલા પૈસા તે લોકોને આપવાના છે પરંતુ તેણે જણાવેલ નહી અને કહેલ કે અમારા ઘરમાં પ્રસંગ હોય જેથી પછી જણાવીશ. બાદમાં તેઓનો દિકરો વિશાલ ફરીવાર ઘરેથી તા.૩૧/૧૦ ના રોજ સવારે સાડા દશેક વાગ્યા આસપાસ ઘર છોડીને જતો રહેલ અને તેણે એક ચીઠી છોડેલ હતી, જે ઘરમાંથી અમને ગઇ તા.૦૬ ના મળતા તે ચિઠ્ઠી પોલીસ પાસે રજૂ કરેલ હતી.
જે ચિઠ્ઠીમાં વિશાલે લખ્યું હતું કે, વિજયભાઈ મકવાણા તથા ભાવેશભાઇ મકવાણા પાસેથી તેણે અંદાજે રૂ.૧ કરોડ જેટલી રકમ વ્યાજે લીધેલ હોય અને તેના વ્યાજ પેટે તેણે રૂ. ૫૫ લાખ જેટલી રકમ આપી દીધેલ હોય તેમ છતા આ લોકો વ્યાજના હજી રૂ. ૨.૩૯ કરોડ માંગણી કરતા હોય જે હું આપી શકુ તેમ નથી, કેમ કે તેઓ લીધેલા પૈસા ઉપર ૪૦ ટકા વ્યાજ લગાવતા હતા. જેથી વ્યાજ સહીતની મુળ રકમ અંદાજે રૂ.૧૦ કરોડની માગણી કરે છે. જે હું મારુ બધુ વેચી નાંખું તો પણ આપી શકુ તેમ નથી. જેથી આ વિજય મકવાણા તથા ભાવેશ મકવાણા આ બંન્નેના ત્રાસથી ઘર મુકીને જાઉં છું અને આ વાત મે ઘરમાં કોઇને કહેલ હતી નહી તેવુ ચીઠીમાં જણાવેલ હતું.
ફરિયાદીનો પુત્ર ઘર મુકીને જતો રહેલ હોય તેમ છતા આ વ્યાજખોર વિજય મકવાણા ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરવા આવતો અને જો તમારો દિકરા મારા પૈસા વ્યાજ સહીત નહી આપે તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બીજી તરફ વ્યાજની રકમની ઉઘરાણી માટે યુવાનના ભાઇ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે ૧૫૦ ફૂટ રિંગરોડ પર શાસ્ત્રીનગરમાં રહેતાં દિલિપભાઇ વિનુભાઇ વિરડા (ઉ.વ.૩૬) એ મેટોડામાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય નારણ મકવાણા અને ત્રણ અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તે મામલતદાર કચેરી કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ત્રણેક વર્ષથી નોકરી કરે છે. તેનાથી નાનોભાઈ વિશાલ વર્લ્ડ ઇન બોક્સ ક્લાસીસ ૧૫૦ ફુટ રીંગ રોડ, ઇન્દીરા સર્કલ પાસે ચલાવે છે. તેઓ રાજકોટથી કાલાવડ દરરોજ કારમાં અપડાઉન કરે છે.
ગઇ તા.૬ ના તે કાલાવડથી સાંજના નોકરી પુરી કરી સાથે નોકરી કરતા વિપુલભાઈ કાલરીયા સાથે કાર લઇને રાજકોટ આવવા રવાના થયેલ આ દરમિયાન મેટોડા જી.આઈ.ડી.સી.થી થોડા આગળ વડ વાજડી ગામના પહેલા ગેઇટ પાસે પહોચતા એક બાઈક ચાલકે કાર આગળ પોતાનું બાઈક આડુ રાખી દીધેલ અને ત્યાં ટ્રાફીક હોય જેથી બ્રેક મારેલ તે દરમ્યાન બે અજાણ્યા માણસો ધોકા સાથે તેઓનો સાઇડ આવેલ અને લાકડાનો ધોકાથી ડ્રાઇવર સાઇડના દરવાજો તોડી નાખેલ અને કહેલ કે, તારો ભાઈ વિશાલ કયા છે? વિજયભાઇના પૈસા દેતો નથી જવાબ દેતો નથી વિજયભાઇએ કિધુ છે આજ તો તને પતાવી જ દેવો છે તેમ કહી તેમને બહાર કાઢવાની કોશીષ કરેલ પરંતુ સીટ બેલ્ટ નહી ખુલતા બંન્ને જણાએ ધોકાઓથી જેમ ફાવે તેમ મારવા લાગેલ અને માથામા ઉપરા ઉપરી એકથી વધારે વખત મારવા જતા તેઓએ વચ્ચે હાથ નાખતા બન્ને હાથે ઈજાઓ થયેલ હતી. જે અંગે મેટોડામાં ફરિયાદ નોંધાવી છે.