BREAKING NEWS

જસદણના રાણીંગપર ગામે ઘોડી ખેલવવા બાબતે સગા-ભાઇ ભત્રીજા પર ખુની હુમલો

  • January 16, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના રાણીંગપર ગામે જાહેરમાં ઘોડી ખેલવવાની ના પાડતા ઉશ્કેરાયેલા આઠ શખસો ધોકા-પાઇપ સહિતના હથિયાર સાથે તૂટી પડયા હતાં. સગા ભાઈઓ અને ભત્રીજની હત્યાનો પ્રયાસ કર્યો હતો જે અંગે ભાડલા પોલીસ મથકમાં સાત શખસો વિરૂધ્ધ નામ જોગ અને અજાણ્યા ૧૦ શખસો સામે ફરિયાદ નોંધવવામાં આવી છે. જેના આધારે પોલીસે ખુની હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જસદણના રાણીગપર ગામેં રહેતા વિપુલભાઈ જેમાભાઈ મકવાણા (ઉ.વ.૩૦) એ ભાડલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમ મેરામ રોજાસરા, રવિ વિક્રમ રોજાસરા, જગદીશ ઉર્ફે જલો વિક્રમ રોજાસરા, સેઘા વિક્રમ રોજાસરા, વિશાલ લાલજી સાબલીયા, તુષાર લાલજી સાબલીયા, વિસુ રોજાસરા અને ૧૦ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તેઓ ખેતી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ઉત્તારાયણના દિવસે બપોરના બારેક વાગ્યાના વખતે તેઓ કાકાનો દિકરો હરેશભાઈ મકવાણા તથા ગામના લોકો સાથે ગામમા આવેલ દાડમા દાદાના મંદિરે બેઠેલ હતા. ત્યારે ત્યા બહાર ગામના અજાણ્યા આઠ થી દશ માણસો બે ઘોડી તથા એક વછેરી લઈ કુદાવતા અને દોડાવતા હોય જેથી તેને ક્યા ગામના છો, તેવુ પુછેલ તો તેણે ગુંદા ગામના તથા ભોજપરી ગામના હોવાનુ જણાવેલ હતું.


જેથી તેને કહેલ કે, અહી ઘોડા કુદાવો નહીં અહી કોઈને લાગી જશે તેમ વાત કરતા તે ઘોડા વાળા થોડા આગળ જતા રહેલ ૫ણ તેની સાથેના એક અજાણ્યો શખસ ભોજપરી ગામનો પરત આવેલ અને બોલા-ચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી ત્યા હાજર લોકોએ છુટા પાડેલ અને તે બધા ઘોડા લઈ જતા રહેલ હતાં. જે બાદ ફરીયાદી વાડીએ જતો રહેલ અને બપોરના સમયે ગામના વિક્રમ રોજાસરા સહિતના આરોપી લોખંડનો પાઈપ અને ધોકા સાથે આઠ થી નવ બાઈક લઈ કાવતરૂ કરી પ્લાન સાથે ઘસી આવેલ હતાં.


ફરીયાદી અને તેનો ભાઈ રમેશભાઈ, તેનો દિકરો વિજયભાઈ ખાટલે બેઠેલ હતા, ત્યાં ધોકા-પાઈપ સાથે દોડીને આવી તેઓને અને ભાઈ રમેશને વિક્રમભાઈએ એક ઘા કરતા નિચે પડી ગયેલ અને ભત્રીજા વિજયને પણ ધોકા તથા પાઈપ વડે માર મારતા તે પણ નિચે પડી ગયેલ હતાં. વિક્રમ તથા તેની સાથે આવેલ માણસો તેઓને અને તેમના ભાઈ રમેશ તથા ભત્રીજાને જાનથી મારી નાખવાના ઈરાદે માથના ભાગે તથા શરીરના ભાગે આડે-ધડ ધોકા તથા પાઈપ વડે એક સાથે માર મારવા લાગેલ હતાં. દરમિયાન દેકારો મચી જતાં ઘરના સભ્યો ભેગા થઈ જતા આરોપીઓએ ગાળો બોલી કહેલ કે, અમારા વિરૂધ્ધ ફરીયાદ કરીશ તો તને તથા તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી નાસી છૂટ્યા હતાં.


જે બાદ ફરીયાદી અને તેના ભાઈ તેમજ ભત્રીજાને ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફત સારવારમાં રાજકોટ સરકારી હોસ્પિટલમા સારવારમાં દાખલ કરેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ભાડલા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application