મેટોડા જીઆઇડીસીમાં ઘરમાં ઘૂસી યુવતી પર છરી વડે ખૂની હુમલો કરાયો હતો. આ સમયે યુવતીનો ભાઇ બચાવવા વચ્ચે પડતા તેને પણ છરી ઝીંકી દીધી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં યુવતીની હાલત ગંભીર હોવાનું માલુમ પડયું છે. આરોપીએ અગાઉ મહિલાની છેડતી કરી હોય જે બાબતે મહિલાના ભાઇ ઠપકો આપ્યો હોય જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે હત્યના પ્રયાસનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે મૂળ રાજુલાના વતની અને હાલ મેટોડા જીઆઈડીસી ગેટ નં.-2 ની સામે રહેતા અશ્વિનભાઈ પ્રેમજીભાઈ જોગદીયા(ઉ.વ. ૨૪) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ નવીનભાઈ મંગેનું નામ આપ્યું છે. યુવાને ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૨ અને ૩ ની વચ્ચે આવેલ આરઈ કમ્પોનેટ્સ નામની કંપનીમાં છેલ્લા ચારેક મહિનાથી સીએનસી મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. માતા-પિતા અને બહેન નીચેના માળે અને તે પત્ની સાથે ઉપરના માળે રહે છે. યુવાનના બહેન પ્રભાબેન છે જેના બે વખત લગ્ન થયેલ હતા પણ છૂટાછેડા થઇ ગયેલ હોય તે સાથે જ રહે છે.
યુવકે જણાવ્યું હતું કે, ગત તા.20-02-2026 ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં તે દૂધ લેવા માટે નીચે જતો હતો. ત્યારે નીચેના માળે જ્યાં માતા-પિતા અને બહેન પ્રભાબેન રહે છે તે રૂમમાંથી રડવાનો અને મારામારીનો અવાજ આવતો હતો અને દરવાજો બંધ હતો. જેથી યુવાને દરવાજો ખોલવા માટે ખખડાવતા બે થી ત્રણ મિનિટ બાદ દરવાજો ખુલેલ ત્યારે અગાઉ યુવાનની બહેનની પજવણી કરનાર સુરેશ મંગે રૂમમાં હાજર હતો. રૂમના ખૂણામાં લોહી લુહાણ હાલતમાં નીચે જમીન ઉપર પડેલ હતી. સુરેશ મંગેનો કોલર પડકડવા જતા તેણે છરી મારી દીધી હતી. બાદ તે અહીંથી ભાગી ગયો હતો. જેથી યુવાન તુરંત ઉપરના માળે જઈ મારી પત્નીને પોલીસ અને એમ્બયુલન્સને જાણ કરવાનું કહ્યું હતું. જેથી પત્નીએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને ૧૧૨ માં ફોન કરી દેતાં થોડીવારમાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી જતા અમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઇ ગયેલ હતા. જયા પ્રભાબેનને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરેલ હતા. જયારે મારી આંગળીનું ઓપરેશન કરવામાં આવેલ હતું.
યુવકે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા પ્રભાબેને મારી પત્ની દયાને વાત કરેલ હતી કે, સિક્યુરિટીનું કામ કરતો સુરેશ મંગે નામનો શખ્સ તેને બહુ જ હેરાન કરે છે અને રોજ રસ્તામાં ઉભી રાખી પજવણી કરે છે. જેથી મારી પત્નીએ મને વાત કરતા તે દિવસે મેં પ્રભાબેન સાથે મારી પત્નીને મોકલેલ હતા. બંને પ્રભાબેન જે કંપનીમાં કામ કરે છે ત્યાં જતા હતા ત્યારે આશુતોષ રબર કંપનીની સામે સુરેશ મંગેએ પોતાનું મોટર સાયકલ આડું નાખી દેતાં પત્નીએ મને જાણ કરી હતી. જેથી હું તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો. ત્યારે મેં તેનું નામ પૂછતાં તેણે પોતાની ઓળખ સુરેશ નવીનભાઈ મંગે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. બાદ બહેનની પજવણી અંગે પૂછી પોલીસ બોલાવવાનું કહેતા સુરેશ મંગેએ હવે હું તમને હેરાન કરીશ નહીં તેમ કહી પગમાં પડવા લાગ્યો હતો અને પ્રભાબેન આજથી મારા બહેન છે તેવું કહી કરગરવા લાગતા અમને દયા આવતા તેને જવા દીધેલ હતો.
દરમિયાન ગઇકાલે ઘરમાં ઘુસી પ્રભાબેનના રૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી જાનથી મારી નાખવાના ઇરાદે પ્રભાબેન પર છરી વડે હુમલો કરી માથાના ભાગે તથા બંને હાથમાં છરીના ઘા ઝીંકી જીવલેણ ઇજાઓ પહોંચાડનાર અને વચ્ચે પડેલા ફરિયાદી યુવાનને હાથના ભાગે છરી ઝીંકી નાસી જનાર સુરેશ મંગે વિરુદ્ધ યુવકે ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે મેટોડા જીઆઈડીસી પોલિસની ટીમે હત્યાની કોશિશ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી હુમલાખોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.