BREAKING NEWS

મુસ્લિમ મહિલાએ ખ્રિસ્તી નામ પાછું મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

  • July 22, 2026 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરાની 66 વર્ષીય નિવૃત્ત કેન્દ્રીય સરકારી કર્મચારી મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને લગ્ન બાદ અપનાવેલું મુસ્લિમ નામ દૂર કરી પોતાનું મૂળ ખ્રિસ્તી નામ ફરીથી સ્વીકારવાની મંજૂરી માગી છે. મહિલાનો દાવો છે કે મુસ્લિમ નામ હોવાને કારણે તેમને વડોદરાના બિન-મુસ્લિમ વિસ્તારોમાં રહેવા માટે મકાન મેળવવામાં સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાનો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા બાદ તેમણે મુસ્લિમ ઓળખ અને નામ અપનાવ્યું હતું. વર્ષ 2021માં પતિના અવસાન પછી તેમણે સાસરીનું ઘર છોડ્યું અને ફરીથી પોતાના માતા-પિતાની ઓળખ સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે સરકારના ગેઝેટમાં પોતાનું નામ બદલવાની અરજી કરી હતી. પરંતુ સરકારી સત્તાવાળાઓએ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે મહિલા પાસે છૂટાછેડાનો હુકમ નથી, તેથી તેઓ પિતાનું નામ અને પહેલાની અટક ફરીથી અપનાવી શકતા નથી. આ નિર્ણય સામે મહિલાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. મહિલાના વકીલ રુષભ શાહે કોર્ટમાં રજૂઆત કરી હતી કે નામ બદલવાનો હેતુ કોઈ નાગરિક કે ફોજદારી જવાબદારીથી બચવાનો નથી, પરંતુ માત્ર સામાજિક પરિસ્થિતિઓને કારણે છે. અરજદાર મહિલાએ જણાવ્યું કે તેમણે પતિનું ઘર છોડ્યું છે અને પતિની મિલકતમાં પોતાના તમામ અધિકારોનો ત્યાગ કર્યો છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નિરઝર દેસાઈએ અરજીના કારણો અંગે વધુ સ્પષ્ટતા માગી હતી. ત્યારબાદ મહિલાના વકીલે વધારાનું સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે મુસ્લિમ નામને કારણે તેમને બિન-મુસ્લિમ વિસ્તારોમાં ભાડે અથવા ખરીદી માટે મકાન મળવામાં મુશ્કેલી પડે છે. તેથી તેઓ પોતાના મૂળ ખ્રિસ્તી નામ સાથે ફરીથી ઓળખ સ્થાપિત કરવા માંગે છે. પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, ડિરેક્ટોરેટ ઓફ ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી તેમજ રાજકોટ સ્થિત ગવર્નમેન્ટ પ્રેસ એન્ડ સ્ટેશનરીને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને 27 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં હાઈકોર્ટે માત્ર નોટિસ જારી કરી છે અને કેસ અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી. હવે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોના જવાબ બાદ હાઈકોર્ટ આ મામલે આગળની કાર્યવાહી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application