BREAKING NEWS

જામનગરમાં શ્રમિક મહિલાના મૃત્યુમાં ઘુંટાતુ રહસ્ય

  • February 28, 2026 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના મોરકંડા રોડ પર રહેતી અને વાલ્કેશ્ર્વરીનગરી વિસ્તારમાં મજુરીકામ કરતી પરપ્રાંતીય મહિલાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજયુ હતું, દરમ્યાન ઓટો રીક્ષામાં મૃતદેહને લઇને જતા હતા ત્યારે શાક માર્કેટ પાસે પોલીસે અટકાવીને પુછપરછ કરી હતી, દરમ્યાન મૃતદેહને પીએમમાં ખસેડી વિશેરા લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સામે આવશે. હાલ આ બનાવે રહસ્યના આટાપાટા સર્જયા છે, પોલીસ દ્વારા મૃતકના પતિ અને રીક્ષાવાળાની પુછતાછ કરવામાં આવી રહી છે.


મુળ મઘ્યપ્રદેશના જાંબવા જીલ્લાના નલદી છોટીગામના વતની અને હાલ જામનગર નજીક મોરકંડા રોડ અનમોલ સોસાયટી પાછળ ઝુપડપટ્ટીમાં રહેતા અને વાલ્કેશ્ર્વરીનગરી વિસ્તારમાં મજુરી કામ કરતી રવિનાબેન રાકેશ મંગલીયા (ઉ.વ.૩૪) નામની યુવતિ ગઇ સાંજે કોઇપણ રીતે બેશુઘ્ધ બની ગયા હતા. ત્યાર બાદ એક ઓટો રીક્ષામાં લઇ જવામાં આવી રહી હતી, દરમ્યાન ઓટો રીક્ષા શાક માર્કેટ વિસ્તારમાં પહોચતા કેટલીક શંકાઓ ઉપજી હતી, આજુબાજુના લોકો પણ એકત્ર થઇ ગયા હતા.


શાક માર્કેટ પાસે જ સીટી-એ પીઆઇ ચાવડા અને સ્ટાફ દ્વારા શંકાના આધારે રીક્ષાને અટકાવી હતી અને તેમા રહેલ ચાલક વિગેરેની પુછપરછ કરી હતી રીક્ષામાં મહિલાનો મૃતદેહ હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને આ બાબતે તપાસણી કરતા તેણી મૃત્યુ પામી હોવાનું જણાવ્યુ હતું આથી મૃતદેહને જી.જી. હોસ્પીટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બીજી બાજુ બનાવ સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળનો હોવાથી સીટી-બી પોલીસને જાણ કરી હતી. 


સીટી-બી પીઆઇ ઝાની સુચનાથી પીએસઆઇ એસ.જી. કેશવાલા દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક વિગતો જાણી હતી અને આજે સવારે મૃતક મહિલાનું જી.જી. હોસ્પીટલ ફોરેન્સીક વિભાગમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યુ હતું. પ્રાથમિક દ્રષ્ટીએ કશુ જાણવા મળ્યુ ન હતુ પરંતુ વિશેરા લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રીપોર્ટ આવ્યા બાદ કયા સંજોગોમાં મૃત્યુ નિપજયુ એ વિગતો સ્પષ્ટ થશે.
​​​​​​​

પોલીસ દ્વારા હાલ આ રહસ્યમય બનાવમાં અકસ્માત મોત અંગેની નોંધ કરી છે અને મૃતકના પતિ રાકેશ તથા પાણાખાણ વિસ્તારમાં રહેતા રીક્ષાચાલક આફતાબ રફીકભાઇ શેખ વિગેરેના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવે ભારે ચકચાર જગાવી છે. ગત રાત્રીના શાક માર્કેટ વિસ્તારમાં ઓટો રીક્ષામાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ જોવા મળતા ટોળા એકત્ર થઇ ગયા હતા અને મોડી રા સુધી ચહલ પહલ જોવા મળી હતી. આ બનાવે રહસ્ટના તાણાવાણા સર્જયા છે. બીજી બાજુ પોલીસ દ્વારા તપાસને લંબાવવામાં આવી છે અને સધન પુછતાછ કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application