અમેરિકી અંતરિક્ષ એજન્સી 'નાસા' બ્રહ્માંડના રહસ્યો પરથી પડદો ઊંચકવા માટે વધુ એક ઐતિહાસિક કદમ ઉઠાવવા જઈ રહી છે. જેલે વેબ ટેલિસ્કોપ દ્વારા આકાશગંગાઓ અને એક્સોપ્લેનેટની અદભુત તસવીરો મેળવ્યા બાદ, હવે નાસા સમગ્ર બ્રહ્માંડનો 'મહાસર્વે' કરવા માટે નવું સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરવા માટે સજ્જ છે. 'નાન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ' નામનું આ મિશન ૩૦ ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ટેલિસ્કોપનું નામ નાસાના પ્રથમ મુખ્ય ખગોળશાસ્ત્રી નાન્સી ગ્રેસ રોમનના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેમને 'મધર ઓફ હબલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષના કોઈ ચોક્કસ અને નાના હિસ્સાને અત્યંત ઊંડાણપૂર્વક જોવા માટે જાણીતું છે, જ્યારે રોમન ટેલિસ્કોપ 'વાયડ-એંગલ કેમેરા' તરીકે કામ કરશે. તે એક જ સમયે વિશાળ વિસ્તારનું મોનિટરિંગ કરીને આખા બ્રહ્માંડનો સર્વે કરશે. આ ટેલિસ્કોપની લંબાઈ ૪૨ ફીટ અને વજન ૪,૨૦૦ કિલોગ્રામ છે. જોકે આનું ૨.૪ મીટરનું મિરર જેમ્સ વેબના ૬.૫ મીટરના મિરર કરતાં નાનું છે, પરંતુ તેનો વાઇડ ફીલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ હબલ ટેલિસ્કોપની સરખામણીએ ૧૦૦ ગણો મોટો વિસ્તાર એક જ ફ્રેમમાં કેપ્ચર કરી શકે છે. આ સુવિધાના કારણે તે ૧,૦૦૦ ગણી ઝડપથી સર્વે પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. નાસાના વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, રોમન સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબનું સ્થાન નહીં લે પરંતુ તેની સાથે મળીને કામ કરશે. તેને સ્પેસએક્સના 'ફાલ્કન હેવી' રોકેટ દ્વારા અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવશે. તેને પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી એલ-ટુ લેગ્રાંજ પોઈન્ટ પર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં ૨૦૨૨થી જેમ્સ વેબ પણ કાર્યરત છે. જ્યાં જેમ્સ વેબ નાના વિસ્તારોનું સૂક્ષ્મ અધ્યયન કરશે, ત્યાં રોમન ટેલિસ્કોપ સમગ્ર આકાશના વિશાળ ભાગોની ઝડપથી તસવીરો એકત્રિત કરશે. પોતાના પ્રસ્તાવિત પાંચ વર્ષના મિશન દરમિયાન, રોમન ટેલિસ્કોપ લગભગ એક અબજ આકાશગંગાઓનો નકશો તૈયાર કરશે. તેનાથી વિજ્ઞાનીઓને બ્રહ્માંડના મોટાભાગના હિસ્સાનું નિર્માણ કરતી અદ્રશ્ય શક્તિઓ જેમ કે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. આ સિવાય તે હજારો નવા એક્સોપ્લેનેટ (અન્ય સૌરમંડળના ગ્રહો) ની શોધ પણ કરશે, જેનો બાદમાં જેમ્સ વેબ દ્વારા વિસ્તારપૂર્વક અભ્યાસ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application