BREAKING NEWS

એનઆઇડીએ પૂર્વ ડિરેક્ટરને સફાઈ-વીજળીના ખર્ચ પેટે 13.91 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું

  • April 08, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી) અને તેના પૂર્વ ડિરેક્ટર પ્રવીણ નાહર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. સંસ્થાએ પ્રવીણ નાહરના કાર્યકાળ દરમિયાન તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂરી પાડવામાં આવેલી સેવાઓ બદલ રૂ. 13.91 લાખની રકમ પરત ચૂકવવા નોટિસ ફટકારી છે. આ રકમમાં સૌથી મોટો હિસ્સો સફાઈ કર્મચારીના પગાર અને વીજળી બિલનો છે, જેણે શૈક્ષણિક અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઇડી વહીવટીતંત્રે પ્રવીણ નાહરને મોકલેલા ઈ-મેલમાં જણાવ્યું છે કે જૂન 2019થી ઓક્ટોબર 2024 સુધીના તેમના કાર્યકાળ દરમિયાન, તેમના બંગલા પર 'સફાઈ કામદાર-કમ-ક્લીનર'ની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સંસ્થાનો દાવો છે કે આ સુવિધા ડિરેક્ટર તરીકેની તેમની નિર્ધારિત હકદારી કરતા વધુ હતી. આ સેવા પેટે સંસ્થાએ રૂ. 12.89 લાખની વસૂલાત માંગી છે.માત્ર સફાઈ જ નહીં, પરંતુ પૂર્વ ડિરેક્ટરના નિવાસસ્થાનના વીજળી વપરાશ પર પણ સવાલો ઉઠ્યા છે. બીજા એક ઈમેલ દ્વારા સંસ્થાએ આ જ સમયગાળા માટે રૂ. 1.02 લાખના વીજળી ચાર્જની માંગણી કરી છે. આમ, કુલ મળીને રૂ. 13.91 લાખ તાત્કાલિક જમા કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.એનઆઇડીના મુખ્ય વહીવટી અધિકારી પી.એસ. પ્રદીપ દ્વારા આ ઈમેલ મોકલવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ માંગણી વર્તમાન ડિરેક્ટરની મંજૂરી બાદ જ કરવામાં આવી છે. સંસ્થાના આ પગલાને અંદરના સૂત્રો 'અભૂતપૂર્વ' ગણાવી રહ્યા છે.સામાન્ય રીતે ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓને અમુક સવલતો મળતી હોય છે, પરંતુ કાર્યકાળ પૂર્ણ થયા બાદ આટલી મોટી રકમની વસૂલાત કાઢવી એ સૂચવે છે કે પૂર્વ ડિરેક્ટર અને વર્તમાન વહીવટીતંત્ર વચ્ચે ક્યાંક ઘર્ષણ ચાલી રહ્યું છે. કેટલાક જાણકારોનું માનવું છે કે આ વહીવટી પ્રક્રિયા કરતાં વ્યક્તિગત અથવા આંતરિક ખેંચતાણનું પરિણામ વધુ હોઈ શકે છે.એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થા જ્યારે પોતાના જ ભૂતપૂર્વ વડા પાસે લાખો રૂપિયાની વસૂલાત માંગે, ત્યારે તે સંસ્થાની પારદર્શિતા અને નિયમો પર અનેક સવાલો ઉભા કરે છે. પ્રવીણ નાહર આ મામલે શું પ્રતિસાદ આપે છે અથવા કાયદાકીય માર્ગ અપનાવે છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News