શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ઘરમાંથી તાંબાના વાસણ ચોરી કરનાર ચુનારાવાડ ચોક પાસે રહેતા નણંદ- ભોજાઇને ઝડપી લીધા હતાં. પોલીસે રૂ.૧૩ હજારની કિંમતના વાસણો કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા માટે સૂચના આપી હોય જેને લઇ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કરણભાઇ વિરસોડીયાને મળેલી બાતમીના આધારે રામનાથપરા ભાણજીદાદાના પુલ પાસે રોડ પર એક મહિલાને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધી હતી. પોલીસે આ મહિલાની પુછતાછ કરતા તેનું નામ લક્ષ્મી વિજયભાઇ સોલંકી(ઉ.વ. ૨૫ રહે. ચુનારાવાડ ચોક શેરી નં.૧ મચ્છીપીઠની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મહિલા પાસે રહેલી થેલી જોતા તેમાં જુનુ ચાર ખાનાનું તાંબાનુ ટિફિન જોવા મળ્યું હતું.જેથી પોલીસે તેની બીલ માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગી હતી.
બાદમાં મહિલાને પોલીસ સ્ટેશન લાવી સઘન પુછપરછ કરતા ટિફિન તેણે પ્રહલાદ પ્લોટમાં બંધ મકાનમાંથી તેની નણંદ સાથે મળી ચોરી કર્યાની કબુલાત આપી હતી. મકાનમાંથી બીજા વાસણો પણ ચોરી કર્યાનું જણાવતા પોલીસે અન્ય આરોપી સોનલ રાયધનભાઇ સોલંકી(ઉ.વ. ૩૦ રહે. ચુનારાવાડ ચોક શેરી નં.૧ મચ્છીપીઠની બાજુમાં) ને પણ ઝડપી લઇ આ નણંદ-ભોજાઇ પાસેથી રૂ. ૧૩ હજારની કિંમતના ચોરીના તાંબાના વાસણો કબજે કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી.બોરીસાગર, પીએસઆઇ ડી.વાય.મહંતની રાહબરીમાં એએસઆઇ બી.વી.ગોહિલ, એમ.એસ.મકવાણા, હેડ કોન્સ. કનુભાઇ બસીયા, કલ્પેશભાઇ બોરીચા, મહેશભાઇ ચાવડા, કરણભાઇ વિરસોડીયા, સાગરભાઇ માવદીયા, ધારાભાઇ ગઢવી, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા સાથે રહ્યા હતાં.