BREAKING NEWS

જલસા કર ભાઈ જલસા કર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના થાઈલેન્ડ- મલેશિયાની યુનિ. સાથે એમઓયુ

  • February 05, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મલેશિયાની બે, થાઈલેન્ડની એક મળી ત્રણ ત્રણ વિદેશી ખાનગી યુનિવર્સિટીઓ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યા છે. સામાન્ય રીતે શિક્ષણ ક્ષેત્રે અત્યારે અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની અને કેનેડા જેવા દેશનું નામ છે. તેવા કોઈ દેશ સાથે આ પ્રકારના એમઓયુવા બદલે જેનું શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ક્યાંય નામ પણ સંભળાતું નથી તેવી મલેશિયા અને થાઈલેન્ડની ત્રણ ત્રણ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવાની વાત અત્યારે વિવાદમાં આવી ગઈ છે.

વિદ્યાર્થીઓને ફાર્મસી, મેનેજમેન્ટ, હયુમીનિટી, ડ્યુઅલ ડીગ્રી પ્રોગ્રામ અને સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ જેવી વૈશ્વિક સ્તરની તક મળશે તેવી સાંભળવી ગમે તે મુજબની વાતો કરીને અત્યારે આ કામગીરીને યથાર્થ ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા દર વખતે દેશની જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓને એકસો -એક્સો કરોડની ગ્રાન્ટ પીએમ યોજના અંતર્ગત આપવામાં આવતી હોય છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ટર્ન હતો અને તે મુજબ તેને આ ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ શિક્ષણનું સ્તર અને માળખાકીય સુવિધા ઊંચી લઈ જવા પાછળ વાપરવાના બદલે મલેશિયા અને થાઈલેન્ડ જેવા બે દેશોની ત્રણ ખાનગી યુનિવર્સિટીના એમઓયુ પાછળ ખર્ચમાં વપરાયા હોવાની વાતો પણ બહાર આવી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ તેમના કાર્યક્ષેત્રની બહાર દેહરાદુનની એક કોલેજને જોડાણ આપ્યું હતું અને તેની પરીક્ષા સહિતના કામના જુદા જુદા બહાના હેઠળ અધિકારીઓ અને પદાધિકારીઓનો મોટો વર્ગ દેહરાદુન ખાતે સતત અપડાઉન કરતો હતો. આ બાબત ભારે વિવાદમાં આવી જતા આખરે તેમનું જોડાણ રદ કરવામાં આવ્યું છે. થાઈલેન્ડ અને મલેશિયાની યુનિવર્સિટીમાં એમઓયુમાં આવી જ કોઈ ગણતરી નથી ને ? સેવા સવાલો યુનિવર્સિટી કેમ્પસ પર પૂછાઇ રહ્યા છે.

ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ જ્યારે બીજા રાજ્યની અથવા તો વિદેશની યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે ત્યારે મોટાભાગે આવા એમઓયુ ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં થયા છે. થોડા સમય પહેલા જ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની આવી સમિટ મળી હતી. તેમાં આવા એમઓયુ કરવાના બદલે કયુએસ કવાર્લી સીમાન્સ નામની ખાનગી રેટિંગ એજન્સીના માધ્યમથી કરાયેલા એમઓયુ અત્યારે તો વિવાદમાં સપડાયા છે અને ભવિષ્યમાં આ વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરે તો પણ નવાઈ નહીં.


એમઓયુ માટે યુનિવર્સિટી કેમ્પસના બદલે ગોવાની પસંદગી

જ્યારે એકબીજા સાથે કોઈ યુનિવર્સિટીઓ એમઓયુ કરતી હોય ત્યારે બેમાંથી કોઈ એક યુનિવર્સિટીના કેમ્પસ પર આવો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. પરંતુ આમાં પણ કોઈ એક યુનિવર્સિટીના કેમ્પસના બદલે ગોવાની પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડોક્ટર ધરમ કાંબલીયાએ આ સંદર્ભે કુલપતિને એવો સવાલ પણ પૂછ્યો છે તે શું ગોવાની ઓળખ સંસ્કાર નગરી કે વિદ્યાનગરી તરીકેની છે ? ગોવા હરવા ફરવા ઉપરાંત શેના માટે જાણીતું છે તેની સૌ કોઈને ખબર છે


કોઈપણ યુનિવર્સિટીના રજીસ્ટ્રારની હાજરી વગર થયેલા એમઓયુ

સામાન્ય રીતે જ્યારે એમઓયુ થતા હોય છે ત્યારે કોઈ એક યુનિવર્સિટીના કેમ્પસ પર અને રજીસ્ટ્રારની હાજરીમાં થતા હોય છે. ફોટો ફેશનમાં પણ કુલપતિ પાછળના ભાગે જોવા મળતા હોય છે. પરંતુ આ કિસ્સામાં મલેશીયાની બે અને થાઈલેન્ડની એક તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મળીને ચારમાંથી કોઈ યુનિવર્સિટીના એક પણ રજીસ્ટર તેમાં હાજર ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application