BREAKING NEWS

રાજકોટ લોકમેળામાં નેવી બેન્ડએ દેશભક્તિના સૂર રેલાવ્યા; મેદની હકડેઠઠ

  • September 03, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્માષ્ટમી લોકમેળાના પ્રારંભ સાથે નેવી બેન્ડએ દેશભક્તિના સૂર રેલાવી વાતાવરણમાં દેશભક્તિનો માહોલ જમાવી દીધો હતો. જવાનો દ્વારા આપવામાં આવેલ પરફોર્મન્સને માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આજે સાંજે ફરી વધુ એક વખત નેવીના જવાનો વધુ એકવાર પ્રસ્તુતિ રજૂ કરશે.રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ૨ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ‘વિરાસતથી વિકાસ લોકમેળો ૨૦૨૬’માં પ્રથમ દિવસે ભારતીય નેવલ બેન્ડનું પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પ્રથમ વખત નેવલ બેન્ડ દ્વારા આ સૂરીલી પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. પરફોર્મન્સ દરમિયાન નેવીના જવાનોએ 'વંદે માતરમ...', 'સમુદ્ર દર્શક', 'દેશ મેરે...', 'લક્ષ્ય થીમ' અને 'તેરી મિટ્ટી...', ‘ફાઇટર થીમ સુજલામ સુફલામ,વંદે માતરમ...’, ‘જય હો’ સહિતની દેશભક્તિની વાદ્ય-ધૂનો પ્રસ્તુત કરી હતી. આ સાથે જ સ્ક્રીન પર ભારતીય નૌ સેનાના શૌર્ય અને પરાક્રમો દર્શાવતી વિશેષ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.ઈન્ડિયન નેવલ બેન્ડના પ્રોગ્રામનું સંચાલન ચિરાગકુમાર જે. શીલુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેન્ડમાં ભારતીય નૌકાદળના ૧૭ જવાનો દ્વારા શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. દરેક પ્રસ્તુતિને ઉપસ્થિતજનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે આ તમામ જવાનોને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સાંજે ૭:૩૦ કલાકે પણ નેવલ બેન્ડની પ્રસ્તુતિ નિહાળી શકશે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application