BREAKING NEWS

નેહલ શુકલએ છેલ્લી ઘડીએ બાજી મારી બન્યા રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયા બન્યા, જાણો નવા હોદ્દેદારોના નામ

  • May 28, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો અને ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. મનપામાં છેલ્લા ૭૭ દિવસ સુધી વહીવટદારોનું શાસન ચાલ્યા બાદ હવે ફરી એકવાર લોકશાહી ઢબે ચૂંટાયેલા પદાધિકારીઓનું શાસન સ્થપાયું છે. આજે રાજકોટને તેના ઇતિહાસના ૨૩મા મેયર, ૩૫મા ડેપ્યુટી મેયર અને ૩૫મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળ્યા છે. રાજકોટ મનપાના ઈતિહાસમાં પદાધિકારીઓની નિમણૂક માટે આટલો લાંબો વિલંબ ક્યારેય થયો નથી, જેને કારણે આ સમગ્ર પ્રક્રિયા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.

આ પ્રથમ વખત બનેલી અભૂતપૂર્વ ઘટનામાં રોજબરોજ મેયર સહિતના ટોચના પદો માટે નવા-નવા નામો રેસમાં આવતા રહ્યા હતા. છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા પદ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવીને જોરદાર લોબિંગ કરવામાં આવ્યું હતું. જો કે, આ તમામ રાજકીય સમીકરણો અને પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજના પ્રબળ લોબિંગને તોડી પાડીને પૂર્વ સાંસદ ચીમનભાઈ શુકલના પુત્ર નેહલ શુકલએ છેલ્લી ઘડીએ બાજી મારી લીધી છે અને મેયર તરીકે પોતાનું નામ ફાઇનલ કરાવવામાં સફળતા મેળવી છે.


રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, નેહલ શુકલાએ આખરી કલાકોમાં શૈલેષ જાનીનું પત્તું કાપીને પોતે પ્રદેશ ભાજપમાંથી સત્તાવાર મેન્ડેટ મેળવ્યું હતું. ગાંધીનગરથી આવેલા આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:


રાજકોટ મનપાના નવા હોદ્દેદારોના નામ

મેયર: નેહલ શુક્લ

ડેપ્યુટી મેયર: દક્ષાબેન વસાણી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: પરેશ પીપળીયા

શાસક પક્ષના નેતા: હિરેન ખીમાણીયા

શાસક પક્ષના દંડક: સંજયસિંહ રાણા


નવી ટર્મના પદાધિકારીઓની જાહેરાત થતાં જ મનપા કચેરી ખાતે સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવા હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવાયું હતું. નવનિયુક્ત મેયર નેહલ શુક્લ અને તેમની ટીમે પક્ષના મોવડીમંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે, વિલંબ ભલે થયો હોય પરંતુ હવે અમારું સંપૂર્ણ ધ્યાન રાજકોટ શહેરના અટકેલા વિકાસ કાર્યોને વેગ આપવા પર રહેશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ટ્રાફિક અને પાણી જેવી લોકાભિમુખ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવો એ આ નવી ટીમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application