રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર ડો.નેહલભાઇ શુક્લએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ સામે શ્રેણીબધ્ધ સવાલો ઉઠાવી તડાફડી બોલાવી હતી. જ્યારે મહાપાલિકા તંત્ર શહેરીજનોને પાર્કિગની પૂરતી સુવિધા આપી શકવામાં નિષ્ફળ રહ્યું હોય ત્યારે પાર્કિંગના પૈસા વસુલવા યોગ્ય નથી તેવો મત રજૂ કરી તેમણે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ સામે સખત વિરોધ દર્શાવ્યો હતો.
ફ્રી પાર્કિંગ અથવા એક રૂપિયાની ટોકન ફી રાખવા માંગ ઉઠાવી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ મુદે નેહલ શુક્લએ તડાફડી બોલાવી સાથે જ એક તબક્કે તો સ્ટેન્ડિંગમાં ઉપસ્થિત અધિકારીઓ, ઇજનેરો અને સભ્યો સમક્ષ એવી ઓફર રજૂ કરી હતી કે આજની મિટિંગમાં આવેલી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટની દરખાસ્તમાં ટેન્ડરમાં જેટલા ભાવ આવ્યા છે તેનાથી વધુ એક લાખ રૂપિયા હું આપું પણ સમગ્ર શહેરમાં ફ્રી પાર્કિંગ આપો. ખાસ કરીને માથાભારે લોકો જ પાર્કિંગ કોન્ટ્રાક્ટ મેળવી બેફામ વાણી, વર્તન, વ્યવહાર કરતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
૯ દરખાસ્તોમાં શુક્લના શ્રેણીબધ્ધ સવાલો
૧. સ્વિસ એજન્સી સાથેના કરારમાં પ્રતિનિધિ સ્વરૂપે ચૂંટાયેલી પાંખમાંથી કેમ કોઈ નહીં?
૨. હરિહર ચોકના વોંકળો નવો બનાવવાનું કામ શરૂ થયા બાદ કેમ દરખાસ્ત આવી ? આ કામ કોના ફાયદા માટે થઇ રહ્યું છે ?
૩.બીએસયુપી આવાસોમાં લાભાર્થી પાસેથી પૈસા લેવાના હોતા નથી ? તો ક્યા નિયમ મુજબ વસૂલશો ?
૪. રેસકોર્સ રિંગ રોડ ઉપર લાઈટિંગ માટે કન્સલ્ટન્ટ શા માટે નિમવા છે ? ત્યાં લાઇટ તો છે જ પછી આવી દરખાસ્ત શા માટે ?
૫. નાણાકીય ચૂકવણી બાબતે સુધારાની દરખાસ્તમાં જીપીએમસી એક્ટ ૧૯૪૯ કેમ લખ્યું છે બીપીએમસી એક્ટ ૧૯૪૯ના બદલે ? આવું લખવાથી દરખાસ્ત ખોટી પડે
૬. મહાપાલિકાએ વિવિધ રેટ કોન્ટ્રાક્ટ આપેલા જ છે તો પછી તેની પાસેથી કામ કરાવવાને બદલે દિવાળી કાર્નિવલ માટે અલગથી ૭૫ લાખનો કોન્ટ્રાક્ટ શા માટે ?
૭. વર્કિંગ વુમન હોસ્ટેલ શહેરની વચ્ચે હોવી જોઈએ શહેરથી આટલી દૂર સ્માર્ટ સિટી એરિયામાં શા માટે બનાવવી જોઈએ ?
૮. મહાપાલિકા પોતાની સ્કુલનું બિલ્ડિંગ ટ્રસ્ટને લિઝ ઉપર શા માટે આપે છે ? કેટલી મિલકતો લિઝ ઉપર આપેલી છે ? ( અંતે આ દરખાસ્ત નેહલ શુક્લના વિરોધના પગલે પેન્ડિંગ રાખવા નિર્ણય)
૯. સર્વેશ્વર ચોકમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી પણ તેમજ અમુક સ્થળે તો શેરીઓમાં પણ પાર્કિગના પૈસા પડાવે છે તો તેમાં પગલા કેમ લેવાતા નથી ? અધિકારીઓ શું કરે છે ? કોની જવાબદારી ? પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ જ બંધ કરો.