BREAKING NEWS

રાજકોટમાં સોલારના ધંધામાં રોકાણના નામે મામાને ભાણેજે રૂ.18.62 લાખનો ધુંબો માર્યો

  • October 06, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મવડીમાં ગેરેજ સંચાલક યુવાનને ભાણેજે સોલારના ધંધામાં રોકાણ કરાવી રૂ.૧૮.૬૨ લાખનો ધુંબો મારી દીધો હતો. ભાણેજની વાત પર વિશ્વાસ કરી યુવાને રૂ.૨૬.૦૯ લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ ફક્ત ૭.૪૭ લાખ પરત કરી સરધાર રહેતાં ભાણેજે હાથ ઊંચા કરી દીધા હતાં. એટલું જ નહીં ધમકી પણ આપી હતી.


બનાવ અંગે હાલ મવડીમાં મધુવન સોસાયટીમાં રહેતાં મૂળ કોઠારીયાના વતની સાગરભાઇ જેન્તીભાઇ રાદડીયા (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વશરામ શૈલેષ પાઘરા (રહે. સરધાર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓના મુળ ઘર ખાતે નાનાભાઈ તથા મારા પિતા રહે છે. તે જીવરાજ પાર્ક લક્ષમણ ટાઉનશીપ પાસે સ્પીડવેલ પાર્ટીપ્લોટ વાળો રોડ ખાતે પટેલ ગેરેજ ચલાવે છે.


વર્ષ-૨૦૨૩ મા ફઇ રંભાબેનના દીકરા શૈલેષભાઇનો દીકરો વશરામ પાધરા ગેરેજનુ કામકાજ શીખવા માટે આવેલ અને તેને ગેરેજનુ કામકાજ ફાવ્યુ નહીં તે નોખા થઈ અને પી.જી.વી.સી.એલ.ના બીલ ભરવાનુ તેમજ ક્રેડીટ કાર્ડનુ તથા વિગેરે કામકાજ કોઇ અંકુરભાઈ વેકરીયા સાથે ભાગીદારીમા શરૂ કર્યું હતું. યુવકના કોઠારીયા ગોપાલ હેરીટેઝ સોસાયટી મકાન ખાતે વશરામ આવેલ અને કહ્યું હતું કે, તે સોલાર પેનલનો ધંધો કરે છે અને તેમા તેમના ધંધામા રૂપીયાની જરૂરીયાત છે અને જો તમે ધંધામાં રૂપીયાની મદદ કરશો તો પોતાના ધંધામા જે નફો થશે તે મુજબ અમને વળતર પેટે રૂપીયા આપશે તેવી લાલચ આપેલ જેથી વશરામને અલગ અલગ સમયે કુલ રૂ.૨૬.૦૯ લાખ આપ્યા હતાં. જેમાં તેને વળતર પેટે કુલ રૂ.૭.૪૭ લાખ પરત કર્યા હતાં.


જેથી ૧૮.૬૨ લાખ લેવાના નીકળતા હોય ત્યારબાદ વશરામએ ઓગસ્ટ-૨૦૨૫ મા જણાવેલ કે, તેણે જે રૂપીયા મેળવ્યા હતા, તેનાથી અંકુરભાઈ સાથે ધંધો કરતો હતો અને હવે તેનાથી અલગ થઇ ગયા છે, અંકુરભાઇ તેમને રૂપીયા પરત આપતા નથી.જે બાદ યુવક અંકુરભાઈને મળતા તેઓએ જણાવેલ કે વશરામ બારોબાર શેરબજારનુ કામકાજ ચાલુ કર્યું હતુ જેથી તેને આ કામ કરવાની ના પાડેલ તેમ છતા તેણે તે કામ ચાલુ રાખેલ જેથી નવેસર ૨૦૨૪ થી નોકરીમાંથી છુટો કર્યું છે, આ વશરામએ મને કોઇ રૂપિયા આપેલ નથી.


જે બાદ પરીવારના લોકો દ્વારા આ વશરામને પૈસા અપાવવાનુ જણાવતા કહેલ કે, મારે મારા રણુજા હોલ પાસે મકાનની લોન પુરી કરી અને બીજી લોન મળે તેમ હોય જેથી અમારે લોનના નાણા ભરપાઈ કરવા માટે રૂપીયા આપો તો હું લોન ભરપાઇ કરી અને તે મકાનનુ વેચાણ કરી તમને તમારા તમામ રૂપીયા આપી દઇશ, તેમજ તે એક મહિના પહેલા ગેરેજે આવેલ અને જણાવેલ કે, તુ હવે રૂપીયા ભુલી જા, હવે મારી પાસે રૂપીયા માંગ્યા છે તો જીવતો નહી રેવા દઉ તેમ કહી નીકળી જઈ રૂપીયા પરત ન આપી છેતરપીંડી આચરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application