ગોંડલ તાલુકાના વેજા ગામે ઘર પાસે કરિયાણાની દુકાન ધરાવનાર વૃદ્ધાને અહીં ગામમાં જ રહેતા શખસે વગર વાકે ગાળો આપી તેમને મારવા દોડતા વૃદ્ધાને ઇજા પહોંચી હતી. વૃદ્ધાને બચાવવા વચ્ચે પડતા તેમની ભત્રીજા વહુને પણ ઇજા પહોંચી હતી. આ અંગે વૃદ્ધાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોંડલ તાલુકાના વેજા ગામે રહેતા મંગળાબેન મનજીભાઈ પરમાર (ઉ.વ 60) નામના વૃદ્ધાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમના જ ગામમાં રહેતા બાલો રાઘવભાઈ મહિડાનું નામ આપ્યું છે. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પતિ સાથે રહે છે અને ઘરની બાજુમાં કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલ રાત્રિના સાડા આઠેક વાગ્યે આસપાસ તેઓ અહીં કરિયાણાની દુકાને હતા ત્યારે બાલો મહિડા અહીં આવ્યો હતો અને કોઈપણ કારણ વગર ગાળો આપવા લાગ્યો હતો. જેથી વૃદ્ધાએ ગાળો આપવાની ના કહી અહીંથી જતા રહેવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો. દરમિયાન અહીં લોકો ભેગા થતા બાલાએ કહ્યું હતું કે તને તો જાનથી મારી નાખીશ તેમ કહી મારવા દોડતા વૃદ્ધાને અંગૂઠામાં ઈજા થઈ હતી. દરમિયાન તેમની ભત્રીજાવહુ રીનાબેન પરેશભાઈ પરમાર અહીં બચાવવા માટે આવતા તેને તેને પણ બાલાએ માર મારતા ખંભાના ભાગે ઈજા પહોંચી હતી. દરમિયાન વૃદ્ધાના પરિવારજનો અને શેરીના લોકો એકત્ર થઈ જતા બાલો મહિડા અહીંથી ભાગી ગયો હતો.
વૃદ્ધાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, બાલો મહિડા અવારનવાર તેમની શેરીમાં આવી માથાકૂટ ઝઘડો કરતો હોય ગઈકાલે પણ રાત્રે અહીં આવી ઝઘડો કરતા તેને અહીંથી જતા રહેવાનું કહેતા ઉશ્કેરાય મારમારી ધમકી આપી હતી. જે અંગે વૃદ્ધાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.