BREAKING NEWS

ફ્રીલાન્સર, કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબર માટે નવા ફેમા નિયમો: વિદેશી આવકની કરવી પડશે જાહેરાત

  • October 05, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ફ્રીલાન્સર, કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર, ઇન્ફ્લુએન્સર, કન્સલ્ટન્ટ અથવા એજન્સી તરીકે કામ કરતા અને વિદેશી ગ્રાહકો પાસેથી આવક મેળવતા લોકો માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ થયો છે. ભારતીય રિઝર્વ બેન્કના નવા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસિસ) રેગ્યુલેશન્સ, 2026 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવ્યા છે. નવા નિયમ હેઠળ વિદેશમાં સેવાઓ પૂરી પાડતા કેટલાક સેવા પ્રદાતાઓ માટે એક્સપોર્ટ ડિક્લેરેશન ફોર્મ દ્વારા સેવાઓની નિકાસની સંપૂર્ણ કિંમત જાહેર કરવાની જોગવાઈ છે.


આ નિયમ ભારતમાંથી વિદેશમાં સેવાઓ નિકાસ કરનારા લોકો અને સંસ્થાઓને અસર કરી શકે છે. તેમાં ફ્રીલાન્સર, સલાહકાર, એજન્સી, ઇન્ફ્લુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર અને વિદેશી ગ્રાહકો અથવા સંસ્થાઓ પાસેથી ચુકવણી મેળવનારા અન્ય સેવા પ્રદાતાઓનો સમાવેશ થઈ શકે છે.


નવા નિયમ મુજબ સેવાઓના નિકાસકારે ઈડીએફમાં નિકાસ કરાયેલી સેવાની સંપૂર્ણ કિંમત જાહેર કરવી પડશે. અહીં સેવા નિકાસકારનો અર્થ એવો વ્યક્તિ અથવા સંસ્થા છે, જે ભારતની બહારના ગ્રાહક કે સંસ્થાને સેવા આપે છે અને તેના બદલામાં ચુકવણી મેળવે છે.


જો એક મહિનામાં એક અથવા વધુ વિદેશી ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવામાં આવી હોય, તો તે મહિના દરમિયાન થયેલી તમામ સંબંધિત સેવા નિકાસને આવરી લેતું એક જ ઈડીએફ રજૂ કરી શકાય છે.

ઈડીએફતે મહિનાના અંતથી 30 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે, જેમાં સેવા માટે ઇન્વોઇસ જારી કરવામાં આવ્યું હોય. ઉદાહરણ તરીકે, ઓક્ટોબર 2026માં કરવામાં આવેલી સેવા નિકાસ માટે જો આ નિયમ લાગુ પડતો હોય, તો ઈડીએફ જમા કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2026 રહેશે.


સોફ્ટવેર સિવાયની સેવાઓ માટે ઈડીએફ નિર્ધારિત ઓથોરાઇઝ્ડ ડીલર બેન્કમાં જમા કરાવવાનું રહેશે. સામાન્ય રીતે જે બેન્ક મારફતે વિદેશી ચુકવણી પ્રાપ્ત થાય છે અને સંબંધિત ફોરેન એક્સચેન્જ વ્યવહાર થાય છે, તે બેન્ક આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ રહેશે.


આ નિયમ માત્ર અમેરિકન ડોલરમાં મળતી ચુકવણી પૂરતો મર્યાદિત નથી. ફેમા હેઠળ આવતી સેવા નિકાસમાં અન્ય વિદેશી ચલણમાં મળતી ચુકવણી પણ તેના દાયરામાં આવી શકે છે.

AD બેન્ક ઈડીએફ પ્રાપ્ત થયા બાદ પાંચ કામકાજના દિવસમાં તેની વિગતો એક્સપોર્ટ ડેટા પ્રોસેસિંગ એન્ડ મોનીટરીંગ સીસ્ટમમાં દાખલ કરશે. તેથી વિદેશી ગ્રાહકો પાસેથી નિયમિત આવક મેળવતા ફ્રીલાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર્સે ઇન્વોઇસ, ચુકવણી અને વિદેશી ચલણ સંબંધિત રેકોર્ડ યોગ્ય રીતે જાળવવા મહત્વપૂર્ણ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application