જામનગરમાં એલસીબીની નવી કચેરીને ખુલ્લી મુકાઈ

  • June 06, 2025 11:41 AM 

એસપી તથા જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ઉપસ્થીતી : કોમ્પ્યુટર સેટ, અત્યાધુનિક ડિજિટલ સોફ્ટવેર સહિતની સુવિધાઓથી સુસજ્જ 

જામનગરમાં લાલ બંગલા સ્થિત એલસીબીની નવી કચેરીનો ગઈકાલે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના હસ્તે પ્રારંભ થયો હતો, અને નવી ટેકનોલોજીથી સભર કચેરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ વેળાએ જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને એલસીબી નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જુદા જુદા સાતથી વધુ કોમ્પ્યુટર સેટ જેમાં વર્તમાન સંજોગોને અનુરૂપ ડિજિટલ સોફ્ટવેર સહિતની સુવિધાઓથી સુસજ્જ કચેરીને બનાવાઇ છે, અને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર નિયંત્રણ રાખવા માટે અને તમામ પ્રકારના ગુન્હાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે એલસીબીના પીઆઇ પીએસઆઇ તથા ૨૨ થી વધુનો સ્ટાફ પણ સુસજ્જ બન્યો છે.


જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળથી સાત રસ્તા સર્કલ સુધી નવો ડી.પી. રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એલસીબીની જૂની કચેરીનો કેટલોક પાછળનો હિસ્સો કપાતમાં આવી જતો હોવાથી જૂની મામલતદારવાળી કચેરી ના સ્થાને નવી એલ.સી.બી. ની કચેરીનો પ્રારંભ થયો છે.

 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશરે ૩,૦૦૦ ચોરસ ફુટ વાળી જગ્યા એલ સી બી ની કચેરી તૈયાર કરવા માટે ફાળવી દેવાતાં તે સ્થળે અત્યાધુનિક ટેકનોલોજીસભર નવી કચેરીનું નિર્માણ કરી લેવાયું છે. જેમાં પી.આઇ. માટેની અલગથી ચેમ્બર, ઉપરાંત પી.એસ.આઇ. ની અલગ ચેમ્બર, તથા અન્ય કોમ્પ્યુટર પર જોબવર્ક કરી શકાય તે માટેના સ્ટાફની અલગ અલગ વ્યવસ્થા અને સાતથી વધુ કોમ્પ્યુટર સેટ મૂકવામાં આવ્યા છે, અને અત્યાધુનિક ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેરથી સભર નવી કચેરીનું નિર્માણ કરાયું છે.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે આ નવી કચેરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ વેળાએ લાલપુર પોલીસ ડિવિઝન વિસ્તારના પ્રોબેશનલ આઈ.પી.એસ. અધિકારી શ્રી પ્રતિભા, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડી.વાય. એસ.પી. વિ.કે. પંડ્યા, જામનગર ગ્રામ્ય ના ડીવાયએસપી આર.બી. દેવધા, એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ઉપરાંત જામનગર ની એલસીબી કચેરીના પી.આઇ. વી. એમ. લગારીયા, પી.એસ.આઇ. પી.એન.મોરી અને સી.એમ કાંટેલિયા, ૨૨ થી વધુ એલસીબી નો સ્ટાફ, પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પી.એસ.આઇ. ભાટીયા અને ૧૫ થી વધુનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

એલસીબીની કચેરી ખુલ્લી મુક્યા બાદ પી.આઈ.ની ચેમ્બરમાં એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારિયા દ્વારા જિલ્લા પોલીસ વડાનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું, ત્યારબાદ સમગ્ર કચેરી ના અલગ અલગ વિભાગોનું એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર એલસીબી સ્ટાફને તમામ અધિકારીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

જામનગરની નવી એલસીબી કચેરીમાં જુદા જુદા સાત કોમ્પ્યુટર સેટ મૂકવામાં આવ્યા છે, જેમાં એક કોમ્પ્યુટરનું ઓપરેટિંગ એલસીબીના પી.આઈ. જાતે કરે છે, જયારે બીજા કોમ્પ્યુટર સેટ નો ઉપયોગ એલસીબીના પી.એસ.આઇ. દ્વારા કરાય છે. બાકીના અન્ય અલગ અલગ પાંચ કોમ્પ્યુટર સેટ મુકવામાં આવ્યા છે, અને તેના માટેના એલસીબીના ચુનંદા સ્ટાફની પણ નિમણૂક કરાઇ છે, અને એ.એસ.આઈ. થી લઈને પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિત ૨૨ થી વધુ એલસીબીના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ તહેનાતમાં રહ્યો છે, તેઓની મદદમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઇ અને ૧૫ થી વધુનો સ્ટાફ પણ જોડાયેલા છે, અને શહેર જિલ્લાના ગુનેગારો પર નિયંત્રણ રાખવા માટે તેમજ ગુનાઓનો ઝડપી નિકાલ લાવવા માટેના અત્યાધુનિક સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને મોબાઈલ ફોનની સીડીઆર મેળવવા માટે, ગુન્હેગારોના લોકેશન મેળવવા, સીસીટીવી કેમેરાઓનું કંટ્રોલિંગ કરવા, ઉપરાંત આરટીઓ કચેરી સાથે કનેક્ટ થઈને વાહનોના રજીસ્ટ્રેશન અને ચેસીસ નંબરના આધારે તેના મૂળ માલિકો સુધી પહોંચવા માટેના જુદા જુદા સોફ્ટવેરથી તમામ કોમ્પ્યુટર સુસજ્જ બનાવાયા છે, અને તે અંગેનો જરૂરી પોલીસ સ્ટાફ પણ તહેનાતમાં રહ્યો છે.

નવી એલસીબીની કચેરી ઉપરાંત જુની એલસીબીની કચેરીમાં ગુનેગારોને રાખવા માટેનું પોલીસ લોકઅપ તથા અન્ય પોલીસ સ્ટાફને બેસવા માટેની કેટલીક વ્યવસ્થા વગેરે યથાવત રાખવામાં આવી છે. જામનગર એલસીબીની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે, તેમજ હિસ્ટ્રીસીટરો સામે તેમજ માથાભારે શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી છે. ગેંગોને પકડી પાડી છે અને જીલ્લામાં સરાહનીય કામગીરી કરી છે.

હાલમાં તમામ પ્રકારની નવી ટેકનોલોજીથી સભર નવી એલસીબીની કચેરીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શકાય, ઉપરાંત ગુનેગારો પર નિયંત્રણ રાખી શકાય, તે પ્રકાર ની સંપૂર્ણ સુવિધાઓથી સુસજ્જ નવી કચેરી કાર્યરત થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application