રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં કાલાવડ રોડ અને ન્યૂ રિંગ રોડની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે કટારીયા ચોક ખાતે કાલાવડ રોડ ઉપર રૂ.૧૫૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવર ઓવરબ્રિજ અને તેની નીચે ન્યૂ રિંગ રોડ ઉપર અન્ડર પાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે અંતર્ગત આજે સવારથી ન્યૂ રિંગ રોડ બંધ કરવામાં આવ્યો છે અને આગામી ચાર મહિના સુધી બંધ રહેશે તેવી મહાપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોનના સિટી એન્જિનિયર અને બ્રિજ પ્રોજેક્ટ હેડ કુંતેશ મહેતાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આજે સવારે તેમણે વેસ્ટ ઝોનના ઇજનેરોની ટીમ સાથે સાઇટ વિઝીટ કરી હતી અને બ્રિજ નિર્માણ માટે આજથી ચાર મહિના માટે ન્યૂ રિંગ રોડ બંધ કરાયો છે મતલબ કે હવે કટારીયા ચોકથી ન્યૂ રિંગ રોડ ઉપર જઇ શકાશે નહીં. આ માટે અગાઉથી જાહેર કરેલા ડાયવર્ઝનના રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. અલબત્ત આજે સવારથી જ ડાયવર્ઝન રૂટ એક્ટિવ કરાયો છે અને તે રૂટ ઉપર વાહન વ્યવહાર સુગમ રીતે ચાલી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય કે માર્ચ ૨૦૨૫માં મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ અનેક આનુસંગિક કામગીરી બાકી હોય ત્વરિત બ્રિજનું કામ શરૂ કરી શકાયું ન હતું. પાણી, ડ્રેનેજ, ગેસ, ટેલિકોમ અને વીજળી સહિતની યુટિલિટી લાઇન્સનું શિફ્ટિંગ, ડાયર્વઝન રૂટ અને તેના પેવર રોડ તૈયાર કરવા, સર્વિસ રોડ તૈયાર કરવા તેમજ બેરીકેડિંગ સહિતની કામગીરી હાલ સુધી ચાલુ હતી, જ્યારે નવરાત્રિથી બ્રિજના પાયાનું ખોદકામ શરૂ કરાયું હતું અને હવે મૂળ કામગીરી શરૂ કરાઇ છે.
૧૫૦ ફુટ રીંગ રોડ-ર: ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ જવા ડાયવર્ઝન રૂટ
એકવાકોરલથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ થી જીનીયશ સ્કુલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર ઉપર જઇ શકાશે.
૧૫૦ ફુટ રીંગ રોડ-ર: જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જવાનો ડાયવર્ઝન રૂટ
૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ - ૧૫૦ ફુટ રીંગ રોડ -ર ઉપર જઇ શકાશે.
૧૫૦ ફુટ રીંગ રોડ-ર: જામનગર રોડથી કાલાવડ રોડ તરફ જવા ડાયવર્ઝન રૂટ
ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહન માટે ૧૫૦ ફુટ રીંગ રોડ-ર થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તા થઇ કાલાવડ રોડ - કણકોટ ચોકડી થી વિર-વિરૂ તળાવ ર૪ મીટરવાળા રસ્તે થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર ઉપર જઇ શકાશે.