BREAKING NEWS

કટારીયા ચોકથી કણકોટ ચોક સુધીનો ન્યુ રિંગ રોડ ૩૧ કરોડના ખર્ચે ફોર ટ્રેક બનશે

  • October 09, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા હદ વિસ્તારમાંથી નિકળતા ન્યૂ રિંગ રોડ (રિંગ રોડ-૨) ફોર ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના ફેઝ-૩ અંતર્ગત કટારીયા ચોકથી કણકોટ ચોક સુધીનો ન્યુ રિંગ રોડ ફોર ટ્રેક બનાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત રિ-ટેન્ડરના અંતે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને ૪.૩૨ ટકા ડાઉન ભાવથી ૩૧.૦૫ કરોડના ખર્ચે કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરવામાં આવી છે, આ અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નિર્ણય થશે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કટારીયા ચોકથી કણકોટ ચોકમાં મહાપાલિકાની હદ સુધીનો ન્યુ રિંગ રોડ ફોર ટ્રેક તરીકે ડેવલપ કરવા સૌપ્રથમ ૧૮ ટકા જીએસટી સહિત ૩૨.૪૮ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું જેમાં બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા તેમાં પવન કન્સટ્રકશન કંપનીએ ૪.૫૦ ઓન અને ક્લાસિક નેટવર્કએ ૩.૯૬ ટકા ઓનથી ઓફર રજૂ કરી હતી. લોએસ્ટ ઓફર રજૂ કરનાર ક્લાસિકના ભાવ પણ વધુ જણાતા વિશેષ ભાવ ઘટાડવા ટેન્ડર મૂલ્યાંકન સમિતિએ રિટેન્ડર કરવા નિર્ણય કર્યો હતો, રિ ટેન્ડરમાં ત્રણ એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં ક્લાસિકએ અગાઉ કરતા ભાવ ઘટાડી ૪.૩૨ ટકા ડાઉન ભાવની લોએસ્ટ ઓફર રજૂ કરી હતી, જ્યારે સેકન્ડ લોએસ્ટ જી.વી. સુતરીયાએ ૪.૨૨ ટકા ડાઉન અને પવન કન્સટ્રકશન કંપનીએ ૦.૮૧ ટકા ઓનથી ટેન્ડર ભર્યું હતું. આમ પ્રથમ પ્રયત્નમાં ૩.૯૬ ટકા ઓનથી ઓફર રજૂ કરનાર એજન્સીએ બીજા પ્રયત્નમાં રજૂ કરેલા ટેન્ડરમાં ૪.૩૨ ટકા ડાઉન ભાવ રજૂ કર્યો હતો. લોએસ્ટ વન અને લોએસ્ટ સેકન્ડ વચ્ચેનો ભાવ તફાવત ફક્ત ૦.૧૦નો જોવા મળતા હિન્દી ફિલ્મ ત્રિશુલની કહાની જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.અલબત્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી આ દરખાસ્ત ઉપર મંજૂરીની મ્હોર લગાવે ત્યારબાદ કોન્ટ્રાક્ટ મંજૂર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application