BREAKING NEWS

ગાંજાની હેરફેરીનો નવો કીમિયો: જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાં ૨.૬૫ લાખનો ગાંજો મળ્યો

  • July 31, 2026 04:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જેતપુરના જેતલસર ગામની પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી આવેલા પાર્સલમાંથી રૂ.2.65 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો હતો. જૂનાગઢ એસઓજીએ માદક પદાર્થ સાથે ઝડપેલા અમિત ઉર્ફે ચેમ્પિયન નામના શખસે પાર્સલ મારફતે ગાંજો મંગાવ્યાનો હોવાનુ સામે આવતા રાજકોટ રૂરલ એસઓજીને જાણ કરવામાં આવી હતી. જેથી રૂરલ એસઓજીએ પોસ્ટ ઓફિસે પહોંચી 5.316 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત માદક પદાર્થ સંબંધિત ગેરકાયદે પ્રવૃતિને નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને રાજકોટ રૂરલ એસઓજીની ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન પીઆઇ એફ.એ. પારગીને જુનાગઢ જિલ્લા એસ.ઓ.જી. તરફથી હકીકત મળી હતી કે, જેતલસર ગામે પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી ગાંજા સાથેનું પાર્સલ આવનાર છે. જેથી તાત્કાલિક એસઓજી ટીમે જેતલસર પોસ્ટ ઓફિસ ખાતે દોડી જઈ ત્યાં આવેલા ઓરિસ્સાના પાર્સલને ચેક કરતા તેમાંથી રૂ. 2,65,800 ની કિંમતનો 5.316 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, જૂનાગઢ એસઓજીએ વડલી ચોકમાંથી ગાંજાના જથ્થા સાથે અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. જે ગુનામાં જૂનાગઢ એસઓજીની તપાસ દરમિયાન અમિત ઉર્ફે ચેમ્પિયનના મોબાઈલમાંથી એક પાર્સલ અને તેના આઇડી નંબરનો ફોટો મળી આવ્યો હતો. જેથી અમિતે ઓરિસ્સા ખાતેથી ગાંજાનું પાર્સલ મંગાવ્યાનું સામે થતાં જૂનાગઢ એસઓજીએ આ અંગે રાજકોટ રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીને જાણ કરતા રાજકોટ રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડી ગાંજાનું પાર્સલ કબજે કરી ગાંજો મંગાવનાર અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુભાઈ રાઠોડ (રહે. ગિરનાર દરવાજા, ગણેશનગર, વડલી ચોક, જૂનાગઢ), સપ્લાયર ગોપી દાદા (રહે. રૂપારા રોડ) અને રિસીવર સંજય પરાર(રહે. રૂપારા રોડ) વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application