નવી દિલ્હી: દેશના નાના અને ટિયર-2 શહેરોમાં મકાનોની કિંમતોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમ છતાં ઘર ખરીદનારાઓની પસંદગીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ઘણા ખરીદદારો સંપૂર્ણપણે તૈયાર ‘રેડી-ટુ-મૂવ’ મકાન કરતાં નવા લોન્ચ થયેલા પ્રોજેક્ટમાં ઘર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં નવા લોન્ચ થયેલા પ્રોજેક્ટ માટેની ખરીદદારોની પસંદગી સતત વધી છે.2026ના પ્રથમ છ મહિનાના આંકડા મુજબ, 34 ટકા ખરીદદારો તરત જ લોન્ચ થયેલા નવા પ્રોજેક્ટમાં ઘર ખરીદવાનું પસંદ કરે છે. જ્યારે 26 ટકા લોકો એવું ઘર પસંદ કરે છે જે લગભગ એક વર્ષમાં તૈયાર થવાનું હોય. 22 ટકા ખરીદદારો છ મહિનામાં તૈયાર થનારા મકાન તરફ પસંદગી દર્શાવે છે અને 18 ટકા લોકો સંપૂર્ણપણે તૈયાર એટલે કે રેડી-ટુ-મૂવ મકાન પસંદ કરે છે.આ આંકડાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. નવા લોન્ચ થયેલા પ્રોજેક્ટ ખરીદવાની પસંદગી 2021માં 21 ટકા હતી, જે 2022માં 28 ટકા, 2023માં 27 ટકા, 2024માં 25 ટકા, 2025માં 29 ટકા અને 2026માં વધીને 34 ટકા થઈ છે. બીજી તરફ, 2020માં રેડી-ટુ-મૂવ મકાન પસંદ કરનારા ખરીદદારોનો હિસ્સો 46 ટકા હતો, જે હવે ઘટીને માત્ર 18 ટકા રહ્યો છે.નાના શહેરોમાં મકાનના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. અહેવાલમાં આપેલા આંકડા મુજબ પ્રતિ ચોરસ ફૂટના ભાવ ગોવામાં રૂ.11,500થી રૂ.13,500, ચંદીગઢમાં રૂ.7,500થી રૂ.10,500, જયપુર અને કોચીમાં રૂ.7,000થી રૂ.9,000, લખનૌમાં રૂ.6,500થી રૂ.8,500, ઇન્દોરમાં રૂ.5,500થી રૂ.7,500 અને ભોપાલમાં રૂ.5,000થી રૂ.7,000 સુધી છે.ખરીદદારો હવે મોટા મકાન તરફ પણ આગળ વધી રહ્યા છે. 2021ની સરખામણીમાં 2026માં રૂ.45 લાખથી ઓછા ભાવના મકાનની પસંદગી 27 ટકાથી ઘટીને 18 ટકા થઈ છે. રૂ.45થી રૂ.90 લાખના મકાનની પસંદગી 35 ટકાથી ઘટીને 21 ટકા થઈ છે. રૂ.90 લાખથી રૂ.1.5 કરોડના મકાન માટેની પસંદગી 34 ટકાથી ઘટીને 25 ટકા રહી છે, જ્યારે રૂ.1.5 કરોડથી વધુ કિંમતના મકાનની પસંદગી 13 ટકાથી વધીને 27 ટકા થઈ છેઅહેવાલ મુજબ, 48 ટકા ખરીદદારો 3-બીએચકે મકાન પસંદ કરે છે, જ્યારે લગભગ 38 ટકા ખરીદદારો 2-બીએચકે ફ્લેટને પસંદ કરે છે. વધુમાં, 61 ટકાથી વધુ ખરીદદારો રૂ.90 લાખથી મોંઘું મકાન ખરીદવાની પ્રાથમિકતા ધરાવે છે.છેલ્લાં પાંચ વર્ષમાં દેશના 11 ઉભરતા ટિયર-2 શહેરોમાં મકાનની કિંમતોમાં સરેરાશ વાર્ષિક આશરે 8 ટકાનો વધારો થયો છે, જ્યારે દેશના આઠ ટોચના શહેરોમાં વાર્ષિક વધારો લગભગ 4 ટકા રહ્યો છે. આમ, નાના શહેરોમાં રિયલ એસ્ટેટની માંગ અને કિંમતો બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.