BREAKING NEWS

હવે પોલીસ સ્ટેશને ધક્કા ખાવાની જરૂર નહીંઃ ગુજરાતમાં વાહન અકસ્માતના કિસ્સામાં રાહત

  • June 19, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં વાહન અકસ્માતના કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ અથવા તેમના વારસદારો માટે રાજ્ય માહિતી આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. અકસ્માતના કેસોમાં પોલીસ સ્ટેશને ધક્કા ખાતા લોકોને હવે મોટી રાહત મળશે, કારણ કે આયોગે પોલીસ તંત્રને આદેશ આપ્યો છે કે અકસ્માતને લગતી તમામ મહત્વની વિગતો અને દસ્તાવેજો અરજદારને સામેથી અને વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે.


અત્યાર સુધી અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોને પોલીસ પાસે માહિતી મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘણીવાર વળતર કે વીમાના દાવા માટે જરૂરી એવા પુરાવા મેળવવા માટે લોકોને લાંબો સમય અને સંઘર્ષ કરવો પડતો હતો. હવે માહિતી આયોગના આ નવા હુકમથી લોકો ઘરે બેઠા જ નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી અહેવાલો મેળવી શકશે.


આ આદેશ મુજબ, પોલીસ તંત્રએ અકસ્માતની એફ આઈ આર (પ્રથમ માહિતી અહેવાલ), પંચનામું, એફ એસ એલ રિપોર્ટ, મરણોત્તર પંચનામું અને પીએમ રિપોર્ટ જેવી ૧૪ જેટલી મહત્વની વિગતો અરજદારને આપવાની રહેશે. આ નિર્ણય એક કિસ્સાના આધારે લેવામાં આવ્યો છે, જેમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ભોગ બનનારના વીમા એજન્ટે માહિતી માંગી હતી, પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. આ મામલો આયોગ સમક્ષ પહોંચતા આ ક્રાંતિકારી આદેશ બહાર પાડવામાં આવ્યો છે.


આયોગે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, તપાસ અધિકારીએ અકસ્માતની વિગતો નિર્ધારિત સમયમાં મોકલવી અનિવાર્ય છે. જેમાં પ્રથમ અકસ્માત અહેવાલના ૪૮ કલાકમાં,વચગાળાનો અહેવાલ: ૬૦ દિવસમાં અને વિગતવાર અહેવાલ ૯૦ દિવસમાં અકસ્માતમાં ભોગ બનનાર અથવા તેમના વારસદારોને કોઈ પણ ચાર્જ વગર પૂરા પાડવા પડશે. આ ઉપરાંત, આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવા માટે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓને નિયમિત સમીક્ષા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાતના સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે, જેનાથી લાખો પરિવારોને ફાયદો થશે. પોલીસ સ્ટેશનોએ હવે પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો કરીને આ સુવિધાને ઓનલાઈન અથવા નિયત સમયમાં ઉપલબ્ધ કરાવવાની રહેશે, જેથી અરજદારોએ વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application